રાજકોટમાં પંદર દિવસની અંદર એક જ મોડેસ ઓપરેન્ડીથી બબ્બે મકાનમાં ૭.૨૦ લાખની ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના બે શખ્સોને પકડી લેવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી હતી.
તાજેતરમાં જ શહેરના મોરબી રોડ પર ખોડિયાર પાર્ક શેરી નં.૨, પૂનમ ફર્નિચરવાળી શેરીમાં રહેતા રમેશભાઈ તુલસીભાઈ સિતાપરાના મકાનમાં ગત પાંચ માર્ચે ચાવી બનાવવાના બહાને ઘૂસેલા બે સરદારજીએ ૬.૬૦ લાખ રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી. તેના પહેલાં રાજનગર ચોક પાસે આવેલી જયશક્તિ સોસાયટી શેરી નં.૩માં રહેતાં ૬૩ વર્ષીય વૃદ્ધા સવિતાબેન મકવાણાના ઘરમાં ચાવી બનાવવાના નામે જ ઘૂસી ૬૦, હજારની રોકડનો હાથફેરો કર્યો હતો.
એકંદરે આ બન્ને ચોરીમાં કુખ્યાત સિકલીગર સામેલ હોવાની આશંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ ટીમે તસ્કરોનું પગેરું દબાવવાનું શરૂ કરી બે શખ્સો પોપટસિંગ ઉર્ફે મલખાન ગોકુલસિંગ સીકલીગર
અને શેરુસિંગ સુનિલસીંગ સીકલીગરને દબોચી લીધા હતા. આ બન્નેના કબજામાંથી ૬૦ હજારની રોકડ ઉપરાંત સોનાના ઘરેણા સહિત કુલ ૭.૧૫ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. બન્ને સામે રાજકોટ ઉપરાંત અમદાવાદમાં પણ ગુના નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
