રાજકોટ : લાતી પ્લોટમાં લાકડાના ડેલાની દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા, જુઓ વિડીયો
- દીવાલનો કાટમાળ ત્યાંથી પસાર થઇ રહેલા અને પાર્ક કરેલા ચાર વાહન અને બે બગી પર પડતાં ભારે નુકશાની
- ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા : દીવાલના ટેકે લાકડાનો સામાન રાખ્યો હોવાથી પડી હોવાનું અનુમાન : પશ્ચિમ મામલતદાર અને બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથધરી
શહેરના જુના મોરબી રોડ પર લાતી પ્લોટમાં આવેલા લાકડાના ડેલાની વિશાળ દિવાલ એકાએક તૂટી રોડ પર પડી હતી.અને દીવાલના આ કાટમાળમાં ત્યાંથી પસાર થઇ રહેલા અને પાર્ક કરેલ બે બાઇક, એક છોટા હાથી, એક આઇસર તેમજ બે બગી દબાઇ જતાં ભારે નુકસાની થઇ હતી. આ ઉપરાંત ત્રણ લોકોને ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. વર્ષો જુની દિવાલ હોઇ તેના સહારે ઉભા રખાયેલા ટેકાના વજનને કારણે કદાચ તૂટી પડયાનું અનુમાન લગાવ્યું હતું.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી રોડમાં લાતી પ્લોટ-6/3 ના ખુણે આવેલા ઇસ્માઇલજી ટીમ્બર નામના લાકડાના ટેકાના ડેલાની મોટી દિવાલ સવારે એકાએક તૂટી પડતાં લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. દિવાલના કાટમાળ અને લાકડાના ટેકાઓના જથ્થા નીચે વાહનો, બગી તેમજ લોકો દબાઇ ગયા હતાં. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતાં કાફલો પહોંચ્યો હતો. ઉપરાંત પશ્ચિમ મામલતદાર પણ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ બનાવમાં વસંતભાઈ આત્મારામભાઈ ઠક્કર (ઉ.વ.55-૨હે. મોરબી રોડ સત્યમ પાર્ક-3), જયરાજભાઈ મહેશભાઇ ચૌહાણ (ઉ.વ.22-રહે. લાતી પ્લોટ-10) તથા એઝાઝભાઇ ભીખુભાઇ આરબ (ઉ.વ.23-રહે. ભગવતીપરા મોડર્ન સ્કૂલ પાસે)ને ઇજાઓ પહોંચતા સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. માહિતી મુજબ જયરાજ અને એઝાઝ છોટાહાથીમાં બેઠા હતાં. આ બંને શેરી નં.12માં ચોકલેટના ગોડાઉનથી માલ ભરી શેરી નં.6માં માલ ખાલી કરી રવાના થતા હતાં ત્યારે જ તેના વાહન પર દિવાલ તૂટી પડી હતી.

જ્યારે વસંતભાઇ મોરબી રોડ પર ગાયત્રી મંદિરથી બાઇક લઇ વસ્તુ લેવા લાતી પ્લોટમાં આવ્યા ત્યારે બનાવ બન્યો હતો.દિવાલ પડવાને કારણે આઇસર નં. જીજે.03.બીવી-6022, છોટાહાથી જીજે.૦3.બીવાય-3541, હોન્ડા જીજે.03.ડીઆર-4100 તથા અન્ય એક હોન્ડા દબાઇ ગયા હતાં. જેના કારણે તેમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત બે બગીનો પણ તૂટી ગઈ હતી. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.ઘટના મામલે પશ્ચિમ મામલતદાર પણ વિઝીટ કરવા પહોંચ્યા હતાં.હાલ બનાવ મામલે બી-ડિવીઝન પોલીસે નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.