- કોઠારીયામાં નામચીન શખસે બે મિત્રોને છરી ઝીંકી
- અગાઉ હત્યાના પ્રયાસ અને મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સે સામું જોવા મુદે ઝગડો કરતા પોલીસે ગુનો નોંધ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરના કોઠારિયા રોડ પર સુતા હનુમાન પાસે બાઈકમાં જઈ રહેલા મિત્રો સાથે સામુ જોવા બાબતે નામચીન શખ્સ અને તેના સાગરીતે ધોકા વડે બેફામ માર મારતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડયા હતા.
વિગતો મુજબ મુજબ જંગલેશ્ર્વરમાં રહેતા શાહજહા સલીમભાઈ (ઉ.વ.38) અને તેમના મિત્ર સત્તારભાઈ સિદિકભાઈ દોઢિયા (ઉ.વ.42) બન્ને મિત્રો કોઠારિયા રોડ પરથી બાઈક લઈ જતાં હતા ત્યારે સુતા હનુમાન મંદિર પાસે નામચીન શખ્સ સમીર ઉર્ફે મરઘો અને તેની સાથેનો શખ્સ રફીકે બન્ને મિત્રોને અટકાવ્યા હતાં.
ત્યાર બાદ સમીર ઉર્ફે મુરઘાએ સામુ કેમ જોવે છે? કહી ધોકા વડે માર માર્યો હતો. શાહજહાને બચાવવા વચ્ચે પડેલા સત્તાર સિદીકભાઈ દોઢિયાને પણ છરી અને ધોકા વડે માર માર્યો હતો. ત્યાર બાદ બન્ને આરોપી ધમકી આપી ત્યાંથી નાશી ગયા હતાં. અને શાહજહા અને મિત્ર સત્તારને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતાં. આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે બન્ને મિત્રોનું નિવેદન લઈ ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે,સમીર ઉર્ફે મરઘો અગાઉ હત્યાના પ્રયાસ, મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.અને એકવાર પાસામાં પણ ધકેલાયો છે.
