- ગામતળનો પ્રશ્ન હલ ન થાય તો સરકારી કાર્યક્ર્મોનો બહિષ્કાર કરવા સરપંચ એકતા મંડળની ચેતવણી
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, રૂડા વિસ્તારમાં આવતા 48 ગામોમાં વસવાટ કરતા ગરીબ પરિવારો માટે સરકાર ગામતળ નીમ ન કરતી હોય ઉપરાંત રૂડાના ગામોમાં 100 ચોરસ વારને બદલે 40 મીટરના જ પ્લોટ આપતી હોવાની નીતિનો વિરોધ કરી રાજકોટ સરપંચ એકતા મંડળ દ્વારા શુક્રવારે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગરીબોના હિતમાં નિર્ણય કરવા માંગ કરી હતી સાથે જ જો સરકાર દ્વારા સત્વરે રૂડાના ગરીબ પરિવારોના હિતમાં નિર્ણય નહીં કરવામાં આવે તો સરકારના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
રાજકોટના રૂડા વિસ્તાર હેઠળ આવતા 48 ગામોમાં પાછલા ઘણા વર્ષોથી ઘરથાળ હેતુના પ્લોટ ફાળવવા માટે ગામતળ નીમ કરવામાં આવતું ન હોવાથી જે-તે ગામમાં વસવાટ કરતા અનેક ગરીબ પરિવારો ઘર વિહોણા છે ત્યારે રૂડા સરપંચ એકતા મંડળ દ્વારા શુક્રવારે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીને આવેદનપત્ર સુપરત કરતા જણાવ્યું હતું કે, રૂડા વિસ્તારના તમામ ગામોમાં પુષ્કળ જમીન ઉપલબ્ધ હોવા છતાં રૂડાના ગામોમાં 100 ચોરસ વારને બદલે 40 મીટરના જ પ્લોટ ફાળવવાની સાથે ગામતળ નીમ ન કરવામાં આવતા હોય ગરીબ પરિવારો ઘરના ઘરથી વંચિત છે, આ સંજોગોમાં જો તાકીદે ગરીબોના હિતમાં નિર્ણય કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં શિક્ષણ અને આરોગ્ય સિવાયના તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે તેવું સરપંચ એકતા મંડળના કાર્યવાહક મુનાભાઇ આહીર સહિતના અગ્રણી સરપંચોએ જણાવ્યું હતું.