જાગનાથ પોલીસ ચોકી સામે સિટી શોપ બિલ્ડિંગમાં દાંતના ડૉક્ટર દિલીપ પટેલને ત્યાં તસ્કરના પરોણાં
રાજકોટમાં તસ્કરોની રંજાડ ઓછી થવાનું નામ જ ન લઈ રહી હોય તેવી રીતે એક બાદ એક ચોરીઓ થઈ રહી છે. આવી વધુ એક ચોરી જાગનાથ પોલીસ ચોકી સામે આવેલા સિટી શોપ બિલ્ડિંંગમાં ક્લિનિક ધરાવતાં દાંતના ડૉક્ટર દિલીપ પટેલને ત્યાં થવા પામી હતી. અહીં તસ્કરે ૧૧ દિવસમાં બે વખત ક્લિનિકમાં ઘૂસી ૧.૨૫ લાખની કિંમતના કેમેરા-મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાતાં પોલીસ દોડતી થવા પામી છે.
આ અંગે ડૉ.દિલીપ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ૨૧ ફેબ્રુઆરીએ તેઓ સાંજે છ વાગ્યે ક્લિનિક બંધ કરી ઘેર ચાલ્યા ગયા હતા. બીજા દિવસે ક્લિનિક ખોલીને જોતાં પાછળની સાઈડમાં આવેલી કાચની બારી ખોલીને કોઈ અંદર ઘૂસ્યું હતું અને ટેબલના ખાનામાં રાખેલો ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ચોરીને લઈ ગયું હતું. આ પછી ૩ માર્ચે સવારે ડૉ.દિલીપ પટેલ ક્લિનિક પર આવ્યા તો પાછળની બારી ખોલીને ફરી કોઈ તસ્કરે અંદર પ્રવેશીને ખાનામાં રહેલો કેમેરો અને ચાર લેન્સ ઉપરાંત અન્ય એક કેમેરો મળી બે કેમેરા અને ચાર લેન્સની ચોરી કરીને લઈ ગયું હતું.
એકંદરે તસ્કરે એક જ જગ્યાએથી ક્લિનિકમાં પ્રવેશ કરી ૧૧ દિવસમાં ૧૦ હજારની કિંમતનો મોબાઈલ અને ૧.૨૫ લાખની કિંમતના કેમેરા-લેન્સની ચોરી કરતાં પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા દોડધામ શરૂ કરી હતી.