ભૂલ અધિકારીની, ભોગવવું પડયું રાજકોટની દોડવીરે! ભારતીય યુનિવર્સિટી ફેડરેશનના સંયુક્ત સચિવ બલજિતસિંહ સસ્પેન્ડ
ભારતીય યુનિવસિર્ટી ફેડરેશન (ઑલ ઈન્ડિયા યુનિવર્સિટી)એ પોતાના સંયુક્ત સચિવ બલજીતસિંહ શેખોંને સસ્પેન્ડ કરી દીધા છે. AIUએ જર્મનીના રાઈન-રુહરમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ (WUG) માટે પસંદ કરાયેલા ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી ચૂકી જવામાં અવ્યવસ્થાની તપાસ કરવા પેનલની પણ રચના કરી છે. જે ખેલાડીઓ રમતમાં ભાગ ન લઈ શક્યા તેમાં રાજકોટનાં દેવયાનીબા ઝાલા પણ સામેલ છે જેમણે અધિકારીએ કરેલી ભૂલનું પરિણામ ભોગવવું પડયું હતું.

ભારતીય બેડમિન્ટન ટીમે આ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ વિવાદ ત્યારે થયો જ્યારે એવું સામે આવ્યું કે 16 જૂલાઈએ ટીમ મેનેજરોની બેઠક દરમિયાન ભારતીય અધિકારીઓ દ્વારા તમામ નામને યોગ્ય રીતે પ્રસ્તુત કર્યા ન હોવાને કારણે પસંદગી પામેલા 12 ખેલાડીમાંથી છ ખેલાડીને ભાગ લેવા દેવાયો ન્હોતો. જો કે તમામ 12 ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : લોકોના હજારો રૂપિયા બચશેઃ RMCના 4 આરોગ્ય કેન્દ્રમાં મફતમાં ડાયાલિસીસ થશે, જાણો કઇ-કઇ સુવિધા મળશે

આ ખેલાડીઓમાં રોહનકુમાર, દર્શન પુજારી, અદિતિ ભટ્ટ, અભિનાશ મોહંતી, વિરાજ કુવલે. અને અલીશા ખાનનો સમાવેશ થાય છે જેમને રમવાની તક મળી ન્હોતી. જ્યારે મહિલાઓની 400 મીટર દોડમાં દેવયાનીબા ઝાલાએ પણ આરોપ લગાવ્યો અધિકારીઓની ભૂલને કારણે પણ તે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી ન્હોતી.
AIUના મહાસચિવ પંકજ મિત્તલે કહ્યું કે તપાસ પેનલ સંપૂર્ણ મામલાની તપાસ કરશે. પેનલ 15 દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરશે.
રમત-ગમત મંત્રાલયે પણ લીધી ગંભીર નોંધ
આ ઘટનાની રમત-ગમત મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. હવે મંત્રાલય યુનિવર્સિટી સ્તરની રમતના સુચારું વહીવટ માટે એક અલગ ફેડરેશનની સ્થાપના કરી ભારતીય યુનિવર્સિટી ફેડરેશન (એઆઈયૂ) વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે પણ વિચારણા કરી રહ્યું છે.
