રાજકોટવાસીઓ બન્યા ડિજિટલ : જિલ્લામાં 2.75 લાખ લોકોએ જાતે રેશનકાર્ડ E kyc કર્યા,
- ઝોનલ કચેરીઓમા લાઈનમાં ઉભા રહેવાને બદલે મોબાઈલનો ઉપયોગ કરી કામગીરી નિપટાવી
રાજકોટ શહેર અને જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે ઈકેવાયસી માથાનો દુખાવો બન્યું છે ત્યારે હવે જાગૃત થયેલા લોકોએ તંત્રના ભરોસે રહેવાને બદલે માય રેશન મોબાઈલ એપ વડે ઈકેવાયસી કરાવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં પોણા ત્રણ લાખ જેટલા લોકોએ પોતાનું ઈકેવાયસી કરાવ્યું છે. જો કે પુરવઠા ઝોનલ કચેરીઓમાં કતારોમાં ઉભા રહેવા છતાં માંડ એક લાખ લોકોના ઈકેવાયસી થયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લાના ઈ-કે.વાય.સી. કરાવવાપાત્ર તમામ રેશનકાર્ડધારક નાગરિકો અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ ઈ-કે.વાય.સી. કરાવવા પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાનીએ વિશેષ અનુરોધ કર્યો હતો.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી ઈ-કે.વાય.સી અંગેની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઈ-કે.વાય.સી. અંગેની તમામ બાબતો સવિસ્તર સમજાવી હતી.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ઈ-કે.વાય.સી.ની કામગીરી માય રેશન મોબાઈલ એપ, મામલતદાર કચેરીની પુરવઠા શાખા અને ગ્રામ્ય સ્તરે વીસીઇ ખાતેથી થઈ શકે છે. અત્યાર સુધીમાં જિલ્લામાં માય રાશન એપ દ્વારા ૨૭૩૫૭૬, PDS+ દ્વારા ૩૭૨૪૪, **VCE મારફતે ૧૮૦૦૦૨, શાળા-કોલેજો મારફતે ૫૨૫૯ તથા વિવિધ ઝોનલ કચેરીઓ મારફતે ૧૦૭૨૮૦ વ્યક્તિઓના ઈ-કે.વાય.સી. કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઈ-કે.વાય.સી. અંગે મહત્તમ લોકજાગૃતિ કેળવવા અને આઇ.ઈ.સી.(ઇન્ફર્મેશન-એજયુકેશન-કોમ્યુનિકેશન) પ્રવૃત્તિઓ કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા આઇ.સી.ટી.ઓફિસર નમ્રતા નથવાણીએ ઈ-કે.વાય.સી. પ્રક્રિયાનું નિદર્શન રજુ કર્યું હતું. બેઠકમાં પ્રાંત અધિકારી ચાંદની પરમાર, રાહુલ ગમારા, વિમલ ચક્રવર્તી, તમામ તાલુકાઓના વિકાસ અધિકારીઓ, મામલતદારો અને ચીફ ઓફિસર્સ તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ રૂબરૂ અને ઓનલાઇન સામેલ થયા હતા.