- પ્રથમ પ્રેમિકાએ ફાંસો ખાધો તેને લટકી જોઈ પ્રેમીએ મિત્રને ‘હું આપઘાત કરું છું’ તેવો વોઇસ મેસેજ કરી જીવન ટૂંકાવી લીધું
- મહિલાના પતિ સાથે છૂટાછેડા થતાં યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં પરિચયમાં આવી હતી અને તેની સાથે રહેતી’ તી
શહેરના રેલનગરમાં લિવ ઇન રિલેશનશીપથી રહેતી પ્રેમી-પ્રેમિકાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. બ્યુટી પાર્લરનું કામ કરતી ૩૭ વર્ષિય ત્યકતા મહિલાને ઇન્સ્ટાગ્રામ થકી ૨૭ વર્ષના યુવાન સાથે સંપર્ક થતાં દોઢેક વર્ષથી બંને એક બીજાના પ્રેમમાં હતાં. અગાઉ ગુરૂપ્રસાદ ચોકમાં રહેતી આ મહિલા અને યુવાને સાતેક દિવસ પહેલા જ રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું. રાતે પ્રેમી યુવાન બહારથી ઘરે પહોંચ્યો ત્યારે પ્રેમિકાને ફાંસો ખાધેલી હાલતમાં જોય હતી. એ પછી તેણે પોતાના મોબાઈલથી મિત્રને વોઇસ મેસેજ કરી પોતાની સાથે રહેતી પ્રેમિકાએ આપઘાત કર્યો છે, ‘હવે પોતે પણ આપઘાત કરે છે’ તેમ કહેતાં મિત્રએ આ વોઇસ મેસેજની જાણ પોલીસને કરતા મિત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચતા બંનેના ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.જ્યારે તેમને આ પગલું આર્થિક ભીંસમાં કર્યાનું પોલીસને પ્રાથમિક તારણ આપ્યું છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં આવેલી શ્રીજી રેસીડેન્સીમાં ભાડાના મકાનમાં રહેતા અક્ષય શૈલેષભાઈ કલોલીયા (ઉ.29) અને તૃપ્તીબેન પરમાર (ઉ.37)એ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. આ ઘટના અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે લટકતા બન્ને મૃતદેહને નીચે ઉતારી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. પ્રાથમિક પુછપરછમાં મૃતક અક્ષય કલોલીયા એકની એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો.અને અપરિણીત હતો.
જ્યારે મૃતક તૃપ્તીબેન પરમારના 15 વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા બાદ છુટાછેડા થઈ ગયા હતાં અને બાદમાં ભાવેશ ધ્રાંગધરીયા નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં અને જ્યાં ભાવેશ થકી પુત્રનો જન્મ થયો હતો અને ભાવેશ સાથે છુટાછેડા થઈ ગયા બાદ તૃપ્તીબેન ધ્રાંગધરીયાનું છેલ્લા દોઢેક વર્ષથી અક્ષય કલોલીયા સાથે ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગળ્યો હતો.અને બન્ને પ્રેમી યુગલ લીવ ઈનમાં રહેતા હતાં. સાત દિવસ પૂર્વે જ પ્રેમી યુગલે શ્રીજી રેસીડેન્સીમાં મકાન ભાડે રાખ્યું હતું.રાત્રિના અક્ષય બહારથી ઘરે આવ્યો હતો ત્યારે તૃપ્તીબેન પરમાર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળતાં અક્ષય કલોલીયાએ તેના મિત્ર પરેશને વોઈસ મેસેજ કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, તૃપ્તિબેન થોડા દિવસો પહેલા ગુરૂપ્રસાદ ચોકમાં રહેતાં હતા ત્યારે તેઓ બ્યુટી પાર્લરનું કામ કરતાં હતા.તે સમયે તેઓએ થોડા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા.અને બાદમાં તેઓ અક્ષય સાથે રેલનગરમાં રહેવા ચાલ્યા ગયા હતા.જેથી તેણીને આર્થિકભીંસ થતાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.અને અક્ષયે તેણીના વિયોગમાં આપઘાત કર્યો હતો.
