હેલ્મેટ ન પહેરનારા સામે રાજકોટ પોલીસ ફરી ધોકો પછાડશે : આ તારીખથી હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવાનો કમિશનરનો નિર્ણય
કોઈ વાર હાઈકોર્ટ તો કોઈ વાર રાજ્ય પોલીસવડાનો આદેશ છૂટે એટલે હેલમેટ ન પહેરનારા લોકો સામે લાલ આંખ કરનારી પોલીસ હવે ફરી હેલમેટ ડ્રાઈવ શરૂ કરનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે.
બુધવારે રાજકોટ શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક મળી હતી જેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જણાવાયું હતું કે હેલમેટ ન પહેરનારા લોકો વિરુદ્ધ આગામી તહેવારો પૂર્ણ થયા બાદ આઠ સપ્ટેમ્બરથી ફરી મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત બેઠકમાં અન્ય મુદ્દા જેવા કે ટ્રાફિક સિગ્નલ, દબાણ, ગેરકાયદે હાઈ-વે મીડિયન ગેપ, હેલ્મેટ, લાયસન્સ ઝુંબેશ સહિતની ચર્ચા પણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા હાઈ-વે પર અકસ્માતના કારણોમાં લોકો દ્વારા ગેરકાયદે તોડવામાં આવતા મીડિયન ગેપ બુરી દેવા અને તેનો વિરોધ કરે તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો તેમજ રોંગ
સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ હજુ સઘન કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ બેઠકમાં ડીસીપી પૂજા યાદવ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની રૂપરેખા અપાઈ હતી.
આ પણ વાંચો : ATSનું ઓપરેશન : અલકાયદા સાથે સંકળાયેલા ચારેય આતંકી પાસેથી કબજે થયેલા મોબાઈલ ફોન-સાહિત્ય ‘રાઝ’ ખોલશે
આગામી 8 સપ્ટેમ્બરથી શહેરમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરાશે
આગામી 8 સપ્ટેમ્બરથી શહેરમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરાશે જેમાં દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાશે. RTO અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લાઇસન્સ ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમ પણ ચલાવવામાં આવશે. તહેવારો બાદ શરૂ થનારી આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં સુરક્ષાની જાગૃતિ લાવવાનો છે જેથી અકસ્માતના બનાવોમાં ઘટાડો શક્ય બને.
