રાજકોટ પોલીસ સ્ટાફ, તેના પરિવારજનોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીંતર કાર્યવાહી કરાશે : DCPનો પરિપત્ર
રાજકોટમાં એક દિવસમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 3500 લોકો પાસેથી દંડ વસૂલી લીધાના પડઘા છેક ગાંધીનગર સુધી પડતા આ નિયમનો જડતાથી અમલ ન કરાવવા મૌખિક સુચના અપાઈ હતી. આ પછી બીજા જ દિવસે દંડરૂપી પહોંચની જગ્યાએ ફુલ અપાવા લાગ્યું હતું અને પોલીસની ડ્રાઈવ બંધ થઈ જવા પામી હતી. આ કાર્યવાહી બંધ થઈ જતાં લોકોની સાથે જ પોલીસ સ્ટાફે પણ હાશકારો અનુભવ્યો હતો કેમ કે તેમને પણ હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મળી ગયાનું ધ્યાન પર આવતાં જ પોલીસ માટે ફરજિયાત હેલ્મેટનો અમલ યથાવત રાખવા ડીસીપીએ પરિપત્ર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : ‘Dream11’ રિપ્લેસમેન્ટ મળ્યું : હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર જોવા મળશે આ કંપનીનો લોગો, Dream11 કરતા વધુ પૈસાની ઓફર
ડીસીપી (ટ્રાફિક) ડૉ.હરપાલસિંહ જાડેજાએ પોલીસ સ્ટાફ માટે અમલી કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે વાહન ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશન, શાખા તેમજ કચેરીમાંફરજ બજાવતાં પોલીસ અધિકારી-કર્મચારી ઉપરાંત પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારના લોકોએ ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. જો આ આદેશનો ભંગ કરવામાં આવશે તો મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરાશે અને છતા પણ વારંવાર નિયમભંગ કરાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ નિયમનું ચુસ્ત પાલન કરાવવા તમામ પોલીસ મથકના પીઆઈ ઉપરાંત શાખા કચેરીના વડાઓને આદેશ કરવામાં આવ્યો છે.
