લોકમેળામાં ‘સુપરહિરો’ની ભૂમિકા ભજવતી રાજકોટ પોલીસ: વિખૂટા પડેલાં 60 બાળકો-22સિનિયર સિટીઝનનું પરિવાર સાથે કરાવ્યું પુન:મિલન
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એવું રાજકોટનું શૌર્યનું સિંદુર લોકમેળો હાલ ચાલી રહ્યો છે જેમાં હૈયુ દળાય તેટલું માનવ મહેરામણ ઉમટ્યું છે ત્યારે આ મેળામાં પોલીસે સુપર હીરો ની ભૂમિકા ભજવી છે અને પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકો અને વૃદ્ધોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે.
અગાઉ જૂની ફિલ્મોમાં આવા ડાયલોગ અનેક વખત સાંભળ્યા હશે કે ત્ “બચપન મેં મેલે મેં બિછડ ગયે થે…” જોકે હવે રાજકોટ પોલીસે આવી બાબતોને ભૂતકાળ કરી બતાવી છે. રાજકોટના “શૌર્યનું સિંદૂર” લોકમેળામાં ચાર દિવસમાં 82 જેટલી વ્યક્તિઓ “પોતાના”ઓથી વિખુટી પડી ગઈ હતી. પરંતુ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ આયોજન અને પોલીસની સુચારુ કામગીરીના કારણે તેમનો તુરંત પરિવાર-સ્વજનો સાથે મેળાપ કરાવાયો હતો.
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં 18મી ઓગસ્ટ સુધી “શૌર્યનું સિંદૂર” લોકમેળો-2025નું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં વહીવટી તંત્રના ઝીણવટપૂર્વકના ચોક્કસ આયોજન અને પોલીસ વિભાગની સતત ખડેપગે ફરજના કારણે લાખો લોકો નિર્વિધ્ને મેળાનો આનંદ માણી રહ્યા છે.
મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે બાળકો કે કોઈ સ્વજન પોતાના પરિવારથી અલગ પડીને ખોવાઈ ન જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલાં નાના બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવી કંટ્રોલ રૂમમાં કાર્યરત પોલીસ જવાનો બાળકો માટે સુપરહિરોની ભુમિકા ભજવી રહ્યા છે.
લોકમેળામાં કંટ્રોલરૂમ ખાતે ફરજ પર કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટના જણાવ્યા અનુસાર, કંટ્રોલરૂમમાં બે શિફ્ટમાં કુલ દસ પોલીસ કર્મચારી આ ફરજ બજાવી રહ્યા છે. આ લોકમેળામાં કંટ્રોલરૂમ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પરિવારથી વિખુટા પડી ગયેલા 60 જેટલા બાળકો અને 22 જેટલા સિનિયર સિટીઝનના પરિવારને ગોતીને તેમની સાથે મિલન કરાવવામાં આવ્યું છે. કોઈ નાનું બાળક મળી આવે તો માઈકમાં સતત તેની જાહેરાત તથા એલ.ઈ.ડી.સ્ક્રીન ઉપર બાળકનો ફોટો બતાવવામાં આવે છે.
વધુમાં કંટ્રોલરૂમ ખાતેથી લોકજાગૃતિ માટે પી.આઈ.શ્રી ભાર્ગવસિંહ ઝણકાટ માઈક દ્વારા ખિસ્સાં કાતરુંથી સાવધાન, મોબાઈલ પાકીટ અને પર્સનું ધ્યાન રાખવું, બહેનોની કોઈ છેડતી કરે તો પોલીસનો સંપર્ક કરવો, નાના બાળકોનું ધ્યાન રાખવું અને બાળકોના ખિસ્સામાં મોબાઈલ નંબરની ચિઠ્ઠી રાખવી સહિતના તકેદારીના પગલા માટેની સતત જાહેરાત કરાઈ રહી છે.
લોકમેળામાં પોલીસ જનતાની મિત્ર બનીને, નાના બાળકો અને સિનિયર સિટીઝનોની વહારે આવીને તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવીને પોલીસ પ્રજાનો સાચો મિત્રનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.
