રાજકોટ પોલીસ એક્શન મોડમાં : હોટેલોની આડમાં છૂપા ધંધાઓ નહીં ચાલે! એક-બે કલાક માટે ID પ્રુફ વિના રૂમ ભાડે ન આપવા સૂચના
રાજકોટ શહેરમાં સ્પાની સાથે હોટલોમાં રૂમ ભાડે આપવાની આડમાં કે ચોક્કસ હોટલોમાં ખુદ સંચાલકો જ શૈયા સુખના સોદા કરાવતા હોવાના અને પર્વોમાં આવું દૂષણ વધુ ન પ્રસરે તેવા સમાજહિત સંદર્ભ સાથેના `વોઈસ ઓફ ડે’માં પ્રસિધ્ધ થયેલા અહેવાલના પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે. એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારોમાં આવતી અંદાજે 70થી વધુ હોટલોના સંચાલકોની બેઠક બોલાવાઈ હતી અને હોટલની આડમાં કોઈ છૂપા ધંધા નહીં ચાલે કે પોલીસ સાંખી નહીં લે તેવી રાકેશ દેસાઈના વડપણ હેઠળ હોટલ સંચાલકો સાથે અવેરનેસ અંગેની બેઠક બોલાવાઈ હતી જેમાં હાજર હોટલ માલિકો, સંચાલકો, મેનેજરોને સ્પષ્ટ તાકિદ કરાઈ હતી કે હોટલમાં આવતા વ્યક્તિઓની વ્યવસ્થિત પૂછપરછ કરવી. જરૂરી ડોક્યુમેન્ટ્સ ચકાસ્યા બાદ જ રૂમ ફાળવણી કરવી, સગીરવયની બાળા કે પુખ્ત વયની યુવતી આધાર કાર્ડ સાથે આવે અને રૂમ માંગે તો રૂમ આપવો નહીં અને પોલીસને જાણ કરવી જેથી કોઈ અઘટિત ઘટના બને એ પૂર્વે અટકાવી શકાય.

હોટલોમાં એક-બે કલાક રૂમ આપવામાં આવે છે તે ન આપવા તેમજ હોટલોમાં યુવતી આવે ત્યારે મોઢા પર દુપટ્ટો કે આવું કંઈ બાંધેલું ચહેરો ઢાંકેલો હોય તો આવું આવરણ છોડાવીને આધાર કાર્ડ સાથે ચહેરો મેચ કરીને રૂમ આપવો. ખોટા કે કોઈ અન્યોના આધાર કાર્ડ પુરાવાઓ પર રૂમ ભાડે ન આપવા જેથી કોઈ ખોટા કે ગેર કૃત્યોને અવકાશ ન રહે. દુષ્કર્મોની ફરિયાદો નોંધાતી હોય છે જેમાં અનેક ફરિયાદોમાં હોટલોના નામો આવે છે. હોટલોમાં રૂમ ભાડે રાખીને સગીરા, યુવતી, મહિલાઓ પર ન થવાનું કરાતું હોય છે અથવા તો લગ્ન કે આવી લાલચે શૈયા સુખ માણતા હોય છે.
હોટલોમાં રાજકોટના સ્થાનિક રહેવાસી સિંગલ પર્સનને રૂમ ભાડે આપવા નહીં જેથી આત્મહત્યા કે આવા બનાવો અટકાવી શકાય. હોટલોમાં આવનારા મુસાફરો, યુગલો, પરિવારના પૂરના ખરા આઈ.ડી. લઈને ખરાઈ કરવી. પથીક સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરવું. હોટલ રજિસ્ટરમાં નોંધ કરી નિભાવવું. હોટલ સંકૂલમાં પ્રોપર સીસીટીવી કેમેરા રાખવા જેથી કોઈ આતંકી ગતિવિધિ કે આવા ઈસમોની વિગતો મળી શકે. જો કોઈ ગરબડી જણાય તો હોટલ જવાબદારોએ તુરંત જ પોલીસને જાણ કરવા પણ તાકિદ કરાઈ હતી. ડીસીપી દેસાઈ ઉપરાંત એસીપી બી.જે. ચૌધરી, પીઆઈ બી.વી. બોરીસાગરે પણ હોટલ સંચાલકોને જરૂરી સૂચનો સાથે નિયમબધ્ધ રહેવા ટકોર કરી હતી.
પોલીસ એલર્ટ બની એ સરાહનીય, ફરી એને એ ન થાય તે પણ જરૂરી…
રાજકોટ શહેરમાં સૌથી વધુ હોટલો એ-ડિવિઝન પોલીસ મથકમાં છે. આવી જ રીતે ઘણીખરી હોટલો અન્ય પોલીસ મથક વિસ્તારોમાં પણ છે. એ-ડિવિઝન પોલીસ એલર્ટ બની એ સરાહનિય છે. અન્ય પોલીસ મથકોમાં પણ જે તે જવાબદાર અધિકારીઓએ આવી કાર્યવાહી કરાવવી જોઈએ અથવા હોટલીયરોને સૂચિત કરવા જોઈએ, હોટલોના નામે ચાલતા છૂપા ધંધાઓ રોકવાની સૌથી વધુ જવાબદારી તો એએચટીયુ પોલીસ ટીમની છે. તેમના અન્ડરમાં તો રાજકોટની તમામ હોટલો, સ્પા આવતા હોય પોલીસ મથકો, બ્રાન્ચો માફક અન્ય કોઈ જવાબદારી નથી હોતી જેથી એએચટીયુનો મહત્વનો રોલ બની રહે. એ-ડિવિઝન પોલીસ માફક શહેરભરની પોલીસે એલર્ટ બનવાની જરૂર છે અને એલર્ટનેસ કાયમી રહે તે જરૂરી છે નહીં તો પાંચ, પંદર દિવસ બાદ ફરી એને એ હાલ જેવું બને. પાંચેય આંગળીઓ સરખી ન હોય તેમ ઘણી સારી હોટલો પણ છે કે જ્યાં નિયમ વિરૂધ્ધ કાંઈ ન બને.
