- મેંગો માર્કેટ પાસેની જમીનમાં સીસીટીવીની લૂંટ થતાં પ્રકરણ બહાર આવ્યું : ફરિયાદી બિલ્ડરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મેંગો માર્કેટ પાસે આવેલી જમીનમાં ગુરુવારે એક બિલ્ડરે તેની જમીન પરથી ૩ શખ્સ સીસીટીવી કેમેરાની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ૩૦ કરોડની જમીન બે ભૂમાફિયાઓ પડાવી લેવા માગતાં હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી હતી. અને પોલીસે સીસીટીવીની લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ કરી એક ભૂમાફિયાની ઓફિસમાંથી લૂંટ ચલાવાયેલા કેમેરા જપ્ત કર્યા હતા. અને આ મામલે ફરિયાદીએ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપી હતી
વિગતો આપતા ફરિયાદી મનસુખભાઈ તલસાણિયાએ જણાવ્યું હતું કે મેંગો માર્કેટ પાછળ આવેલી ખોડલ એવન્યુ નામની તેમની સાઈટ પરથી મયુર રૂપારેલિયા અને બે અજાણ્યા શખસો ધસી આવીને સાઈટ પર રાખવામાં આવેલા બે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવી ગયા હતા.તેમજ સાઈટ પર ચોકીદારી કરતા વ્યક્તિને પણ એક ઓરડીમાં પૂરી દેવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ થતાં જ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતાં આરોપી મયુર રૂપારેલિયાએ નાનામવા સર્કલ પાસે આવેલા નાઈન સ્ક્વેર નામના બિલ્ડિંરની એક ઓફિસમાં કે જે કમલેશ રામાણીની છે ત્યાં કેમેરા છુપાવ્યા હતા.આથી પોલીસે ત્યાંથી કેમેરાઓ કબજે કર્યા હતા.
ખોડલ એવન્યુના નામની આ જમીન 4 એકર 35 ગુંઠા છે અને તેની હાલની બજાર કિંમત અંદાજે ૩૦ કરોડ રૂપિયા થાય છે. આ જમીન મનસુખભાઈ તલસાણિયા અને તેના છ પાર્ટનરે આજથી બે વર્ષ પહેલાં દિલીપભાઈ મકવાણા પાસેથી ખરીદી હતી અને તેનું મોટાભાવનું ચૂકવણું પણ કરી દીધું હતું. કરાર મુજબ દિલીપ મકવાણાના નામે જ આ જગ્યા બિનખેતી કરવાની હતી પરંતુ જમીનનો ભાવ વધી જતા દિલીપ ભરવાડે બિનખેતીની કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારથી આ વિવાદ વકર્યો હતો.અને આ જમીન પડાવી લેવા માટે મયુર રૂપારેલિયા તેના સાગરીતો સાથે ઘસી આવી ધમકીઓ આપી હતી.જેથી પોલીસે આ મામલે તટસ્થ તપાસ કરતાં ભુમાફિયાઓની પોલ છતી થઇ હતી.