મોરબી હાઈ-વે પર બેડી ગામ પાસેથી ૬.૪૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પોલીસે કરી ‘તી ધરપકડ
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ મોરબી હાઈ-વે પર આવેલા બેડી ગામ નજીકથી એસઓજી દ્વારા દરોડો પાડીને ૬.૪૬ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી સુધા ધામેલિયા અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી.જે કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે નામચીન પેડલર સુધાને જામીન પર જેલમુક્ત કરવા માટે હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૪ ના રોજ રાજકોટ એસઓજી વિભાગના સ્ટાફને મળેલી બાતમીના આધારે મોરબી હાઇવે પર બેડીગામ નજીક એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી ૬.૬૪ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે રીક્ષામાં બેઠેલા સુધા ધામેલીયા, મયુર ધામેલીયા, સચિન વોરા, ધર્મેશ ડાભી,ની ધરપકડ કરી હતી.તેમજ આરોપીઓ સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેલ હવાલે રહેલ સુધાએ જામીન મેળવવા માટે વકીલ મારફતે અરજી કરી હતી.
આ અરજી ચાલવા પર આવતા સરકારી વકીલ દ્વારા આરોપીના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેવી દલીલો કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જેની સામે આરોપીના વકીલે દલીલ કરતા જણાવાયું હતુ કે, જામીન અરજી નક્કી કરતી વખતે અન્ય કેસના ફેકટસ જોવાના હોતા નથી તેમજ વડી અદાલતોના વિવધ ચુકાદાઓ રજૂ કરતાં કહ્યું હતું કે, જામીન એ નિયમ છે જ્યારે સજા અપવાદ છે. બંને પક્ષોના તમામ દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને સેશન્સ કોર્ટે આરોપી સુધા ધામેલિયાના જામીન મંજૂર કર્યા હતા.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીત ઘીયા, હર્ષ ધીયા, જૈમીન જરિયા, તેમજ રિધ્ધિબેન ખંઢેડીયા રોકાયેલ હતા.