વેરો ભરવામાં બે’ય હાથમાં લાડું નહીં રાખવા દે રાજકોટ મનપા !! ‘વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ’ યોજનાનો લાભ લેનારાને આ યોજનાનો લાભ નહીં મળે
- 7 એપ્રિલથી શરૂ થનારી `વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ’ યોજનાનો લાભ લેનારાને 15 એપ્રિલથી શરૂ થનારી વેરા વળતર યોજનાનો લાભ નહીં અપાય
- મિલકતધારકને બાકી વેરો-વ્યાજના ચાર હપ્તા કરી દેવાશે અને જ્યાં સુધી ચારેય હપ્તા ન ભરાય ત્યાં સુધી મિલકતનો હેતુફેર નહીં થઈ શકે
- ચારમાંથી એક હપ્તો ભરાય અને મિલકતનું વેચાણ થાય છે તો તમામ વેરો ભરવો પડશેઃ યોજનાને મોળો પ્રતિસાદ મળે તેવા ભણકારા
2025-26ના નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે 4.18 લાખથી વધુ મિલકતધારકોને નવું વેરાબિલ મળવાનું છે. અનેક મિલકતધારકો એવા છે જેમનો હજારો-લાખો રૂપિયાનો વેરો ચડત થઈ ગયો હોય તેમના માટે 2025-26ના બજેટમાં `વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ’ સ્કીમ યોજના 7 એપ્રિલથી શરૂ થવાની છે. આ યોજના હેઠળ ચડત વેરો અને તેના પર લાગેલા વ્યાજને ચાર હપ્તામાં વહેંચી દેવાશે અને મિલકતધારકે બાકીવેરો અને વ્યાજ હપ્તે ભરવાનું રહેશે સાથે સાથે જે-તે ચાલું વર્ષનો વેરો પણ ભરપાઈ કરવાનો રહેશે. બીજી બાજુ 15 એપ્રિલ આસપાસ એડવાન્સ મિલકત વેરા વળતર યોજના પણ શરૂ થવાની છે ત્યારે વેરો ભરપાઈ કરવામાં મિલકતધારકોના બે’ય હાથમાં લાડું ન રહે તેવો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
જાણવા મળેલી વિગતો પ્રમાણે જે મિલકતધારક વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાનો લાભ લેશે તેને મિલકત વેરા વળતર યોજના અંતર્ગત વેરો ભરપાઈ કરવા બદલ 10%નું વળતર આપવામાં આવશે નહીં. સામાન્ય રીતે મિલકતધારકોના મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ હોય કે તેઓ વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજના અને એડવાન્સ વેરા વળતર યોજના એમ બન્નેનો લાભ મેળવી લેશે પરંતુ તંત્રવાહકો એવું થવા દેવાના મૂડમાં 1% પણ નથી !
ઉદાહરણ તરીકે કોઈ મિલકતધારકનો બાકીવેરો એક લાખ રૂપિયા અને તેના ઉપર લાગતું વ્યાજ પાંચ હજાર હશે તો મહાપાલિકા દ્વારા વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ હેઠળ તેને 1.05 લાખની રકમના ચાર હપ્તા કરી દેવામાં આવશે. આ ચાર હપ્તા ચાર વર્ષ દરમિયાન ભરપાઈ કરવા પડશે સાથે સાથે જે-તે વર્ષનું વેરાબિલ આવે તે પણ ભરવું પડશે. ચાર હપ્તા ન ભરાય ત્યાં સુધી મિલકતનો હેતુફેર પણ થઈ શકશે નહીં. ચારમાંથી એક હપ્તો ભરાયો હોય અને મિલકતનું વેચાણ કરવાનું થાય છે તો બાકીવેરો તેમજ વ્યાજ બન્ને એક સાથે ભરવા પડશે. આ ઉપરાંત જ્યાં સુધી બાકીવેરો અને વ્યાજ જમા ન થઈ જાય ત્યાં સુધી હેતુફેર પણ કરી શકાશે નહીં.
આ ઉપરાંત એડવાન્સ મિલકતવેરા વળતર યોજના હેઠળ 10% ડિસ્કાઉન્ટનો રાહત એ જ મિલકતધારકને મળશે જેમનો વેરો ચડત નથી. આ પ્રકારની શરતોને ધ્યાનમાં રાખી વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાને મોળો પ્રતિસાદ મળે તેવી શક્યતા પણ રહેલી છે.
હમણાં કોઈએ વેરો ભરવા ધક્કો ન ખાવો…!
નવું નાણાકીય વર્ષ શરૂ થાય એટલે નિયમિત કરદાતાઓ તેમનો વેરો ભરપાઈ કરવા માટે મહાપાલિકા કચેરી તેમજ ઓનલાઈન ચૂકવણું કરતાં હોય છે પરંતુ અત્યારે વેરા વસૂલાત બંધ હોવાથી ભરપાઈ કરવા માટે કોઈએ ધક્કો ન ખાવો તેવું પણ તંત્રવાહકો દ્વારા જણાવાયું હતું. નવા-જૂના કરદાતાની યાદી તૈયાર થઈ ગયા બાદ ટૂંક સમયમાં જ વેરા વસૂલાત શરૂ કરવામાં આવશે.