કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ
રાજકોટમાં મચ્છરોનો ત્રાસ ઘટવાનું નામ જ લઈ રહ્યો ન હોય તે રીતે દર સપ્તાહે ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના રોગથી પીડિત દર્દી ઓ મળ્યા વગર રહેતા નથી. એકંદરે મચ્છરોએ રાજકોટને કંટ્રોલમાં લઈ લીધું હોય તે પ્રકારે આતંક મચાવી રહ્યા હોય હવે મહાપાલિકા તંત્ર મચ્છરો પર વળતો હુમલો કરી તેને નેસ્તોનાબૂદ કરવા આજથી કાર્યવાહી શરૂ કરશે. તંત્ર દ્વારા વન-ડે વન વોર્ડ કાર્યક્રમ અંતર્ગત દરેક વોર્ડમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટમાં કૂતરાને ‘કંટ્રોલ’ કરવા ખર્ચાશે 2.70 કરોડ : પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હાલ 26,000 શ્વાનનો વસવાટ

આવતીકાલે શુક્રવારે આ ઝુંબેશનો પ્રારંભ તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસથી કરવામાં આવશે. આ પછી તા.૪ ઓગસ્ટને સોમવારથી વોર્ડ નં.૧થી ફોગિંગ, પોરાનાશક કામગીરી, પેરાડોમેસ્ટિક કામગીરી, બાયોલોજીકલ કંટ્રોલની કામગીરી, કોમર્શિયલ મિલકતોની મુલાકાત, આરોગ્ય શિક્ષણ સહિતની કાર્યવાહી કરાશે. આ ઝુંબેશ તા.4ઓગસ્ટથી 29ઓગસ્ટ સુધી ચાલનાર હોવાનું જાહેર કરાયું છે.આ પ્રકારની કામગીરી આરોગ્ય શાખાએ નિયમિત કરવાની જ હોય છે અને કદાચ કરતી પણ હશે ત્યારે હવે તેને ઝુંબેશ નામ આપીને પદાધિકારીઓએ તેમાં પણ વાહવાહી લૂંટવાનો રસ્તો શોધી કાઢ્યો છે.