જે કામ બે વર્ષે પૂર્ણ થાય તેને છ મહિનામાં પૂરું કરાવશે રાજકોટ મનપા ! ત્રણ એજન્સી પાસેથી રોડ-રસ્તાનું કામ લેવાશે
રાજકોટમાં હજુ ચોમાસું બરાબર જામ્યું નથી ત્યાં જ રોડ-રસ્તાની હાલત ખરાબ થવા લાગી હોય ફટાફટ થીગડા મારવા, નવા ડામરરોડ બનાવવા સહિતની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. બીજી બાજુ તંત્ર દ્વારા એક જ એજન્સી પાસે કામ કરાવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોય કામમાં પણ ઢીલ થયાનું અનેક વખત બની ચૂક્યું છે. આવું જ કંઈક વોર્ડ નં.1,8,9,10,11 અને 12માં જોવા મળ્યું છે જ્યાં એક જ એજન્સીને 104 કરોડમાં રસ્તાનું કામ બે વર્ષ માટે આપી દેવાયું હતું પરંતુ બે વર્ષ સુધી રાહ જોવી લોકોને પોષાય તેમ ન હોય તંત્રએ વચલો રસ્તો કાઢીને અન્ય બે એજન્સીને પણ સાથે જોતરીને બે વર્ષે પૂર્ણ થનારું કામ છ મહિનામાં પૂર્ણ કરાવાશે.

ઉપરોક્ત છએય વોર્ડમાં ડામર કાર્પેટ (ડામર પાથરવા) તેમજ ડામર રિ-કાર્પેટ (બની ગયેલા રસ્તા ઉપર ફરીથી ડામર પાથરવા)નું કામ 7-3-2025ના ક્લાસીક નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડને 12% વધુ ભાવ ચૂકવી 1,04,33,45,842 રૂપિયાના ખર્ચે બે વર્ષ માટે આપવામાં આવ્યું હતું. એકંદરે કામ અપાયા બાદ રોડ-રસ્તા બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. સોમવારે જ ચાલું વરસાદે ડામર પાથરવાના કામ અંગે વિવાદ પણ થવા પામ્યો હતો. બીજી બાજુ હવે ક્લાસીક એજન્સીની સાથે જ હવે પવન ક્નસ્ટ્રક્શન કંપની અને રાજ ચામુંડા ક્નસ્ટ્રક્શન કંપનીને પણ જોડીને છએય વોર્ડમાં ડામર કાર્પેટ તેમજ રિ-કાર્પેટની કામગીરી કરાવવાથી કામમાં વધુ ઝડપ આવી શકે છે.

દરમિયાન સરકાર દ્વારા રોડ-રસ્તા માટે મહાપાલિકાને પૂરતી ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોય એક સાથે ત્રણ એજન્સી પાસેથી 12% વધુ ભાવે જ કામ કરાવી શકાય તેમ હોવા તેમજ આ પ્રકારે ત્રણ એજન્સીને કામ આપવાથી તંત્રની તિજોરી પર વધારાનું ભારણ ન આવી રહ્યાનું જણાવી મ્યુ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરાઈ છે જેના પર આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટમાં કલા પ્રદર્શન ‘મોંઘું’ પડશે ! આર્ટ ગેલેરીના તોતિંગ ભાવ વધારાને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
આખરે પરસાણા ચોકથી કણકોટ સુધી પાક્કો રસ્તો બનશે
વોર્ડ નં.11માં પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી 24 મીટર ટીપી રોડને 8.58 કરોડના ખર્ચે પાક્કો રસ્તો બનાવવાની દરખાસ્ત પર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ 3.15% ડાઉન ભાવે શ્રીજી દેવકોન (ઈન્ડિયા) પ્રા.લિ.ને આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત રસ્તાની હાલત બદથી બદતર હોય લોકો અહીંથી પસાર થતાં પણ ડરી રહ્યા હતા.
