રાજકોટ : બધુ આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્માના નામે મિત્રોને ‘મામા’ બનાવી નરાધમે સગ્ગી ભાણેજ પર ગુજાર્યું દુષ્કર્મ
નીચતાની પરાકાષ્ટા કે અધમતા પાર કરવા સગ્ગા મામાએ જ સગીરવયની ભાણેજનું અપહરણ કરવા ચાર મિત્રોને એન્ટીક (બધુ આરપાર દેખાય તેવા) ચશ્મા અપાવવાની લાલચે સાથે લઈ સગીર ભાણેજને બે માસ સુધી અલગ અલગ સ્થળે રાખી દુષ્કર્મ ગુજાર્યાનો ઘટસ્ફોટ થયો છે. વિછીંયા પોલીસે આરોપી સાયલા પંથકના નરાધમ શખસને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી છે.
પોલીસના વર્તુળમાંથી મળેલી વિગતો મુજબ બે માસ પુર્વે વિછીંયા પોલીસ મથકમાં ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં પોલીસે બોલેરોમાં સગીરાને ઉઠાવી જવાઈ હોવાની વિગતો આધારે વાહન નંબર, અન્ય માહિતી પરથી બોટાદના ગઢડા સ્વામી પંથકના ચાર શખસોને ઝપડી પાડયા હતા. જો કે જે તે સમયે પકડાયેલા આરોપીઓની પુછતાછમાં મુખ્ય આરોપી તરીકે અપહૃત સગીરાનો સાયલા પંથકમાં રહેતો સગ્ગો મામો જ હોવાનું ખુલ્યુ હતુ.
પકડાયેલા આરોપીઓએ એવી કેફિયત આપી હતી કે સગીરાના મામાએ આરોપી મિત્રોને મોબાઈલ ફોનમાં એન્ટીક ચશ્માનો ફોટો બતાવ્યો હતો અને એવી વાત કરી હતી કે આ ચશ્મા પહેરવાથી દિવાલ તથા જમીનમાં ઉડે સુધી બધુ આરપાર દેખાય તેવા ચશ્મા એક વ્યક્તિ પાસે છે. આ ચશ્મા ખરીદવા કે જોઈએ છે પણ એ વ્યક્તિને ચશ્માના બદલામાં રૂપીયા નહીં યુવતી, છોકરી જોઈએ છે. ચારેયને એન્ટીક ચશ્માની લાલચ જાગી હતી. જાળમાં આવેલા ચારેયને કહ્યું કે પોતાની સગ્ગી ભાણેજ જ છે જો સાથ આપો તો તેને ઉઠાવીજઈએ અને એ વ્યક્તિને મારી ભાણેજ આપી દઈએ અને એ આપણને ચશ્મા આપી દેશે. ચારેય શખસો પણ આ કૃત્ય કરવા સહમત થયા હતા.
સુત્રધાર મામો અને સાગરીતો બે માસ પૂર્વે બોલેરોમાં સગીરાને ઉઠાવી ગયા હતા.બોટાદ પથકમાં આરોપીએ બે દિવસ સગ્ગી ભાણેજને રાખી હતી. ત્યાંથી ભાણેજને લઈ નીકળી ગયો હતો અને મોબાઈલ ફોન નંબર પણ બદલી નાખ્યો હતો.
વિછીંયા પોલીસ મથકના પી.આઈ. જે.પી. રાવની રાહબરી હેઠળ સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, પ્રકાશભાઈ, અમિતભાઈ, જીજ્ઞેશભાઈ સહિતના સગીરાને તેમન તેના મામાને શોધવા દોડધામ કરી રહ્યા હતા. દરમિયાનમાં માહિતી મળી હતી કે આરોપી સગીરાને લઈને અમરેલીમાં ભાડાના મકાનમાં રહે છે. પોલીસની ટીમ અમરેલી પહોંચી હતી અને ત્યાંથી આરોપી નરાધમ સગ્ગા મામાને ભાણેજ સાથે દબોચી લીધો હતો.
આરોપીની પોલીસે હાથ ધરેલી પુછતાછ તેમજ સગીરાને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતાં પોલીસ સ્ટાફ ચોંકી ઉઠયો હતો. નરાધમ સાયલા પંથકના શખસે ભાણેજને પણ જાળમાં ફસાવી હતી. સગીરાને બોટાદ પંથક, જામનગર, અમરેલી લઈ જઈ ત્યાં તેની સાથે શરીર સંબંધો બાંધ્યા હતા. મિત્રોને આરપાર ચશ્મા મળશે તેવી લાલસાએ જાળમાં ફસાવી મામા બનાવી સગ્ગી ભાણેજનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર હવસખોરની પોલીસે આકરી સરભરા કરી હતી. આરોપી સામે પોકસોની કલમ ઉમેરવા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ છે.