- ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટેમ્પરરી સ્ટ્રક્ચરને મંજૂરીની મનાઈ છતાં
ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન ચેતન સુરેજાના વોર્ડમાં જ ગેરકાયદેસર બાંધકામ ! આસિસ્ટન્ટ ટીપીઓ શૈલેષ સીતાપરા કહે છે ફરિયાદ મળી છે !
રાજકોટ : રાજકોટ શહેરમાં ટેમ્પરરી સ્ટ્ર્કચરના નામે બાંધકામ મંજૂરી લઈ ગેરકાયદે ખડકાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ નાગરિકોના મોતની ઘટના બાદ શહેરમાં આવા હંગામી બાંધકામોને મંજૂરી આપવામાં નથી આવતી છતાં પણ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર જલારામ-2માં મેઈન રોડ ઉપર વોર્ડ નંબર-10ના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન ચેતન સુરેજાના વોર્ડમાં જ આવો ગેરકાયદે માંચડો તૈયાર થયો હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ આ ગેરકાયદે બાંધકામ મામલે વોર્ડ-10ના એટીપીઓ શૈલેષ સીતાપરાનો સંપર્ક કરતા તેઓએ પણ ફરિયાદ મળ્યાનું જણાવી તાત્કાલિક અસરથી કામ બંધ કરાવ્યાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર જલારામ-2માં મુખ્ય રોડ ઉપર તપસ્વી સ્કૂલ અને પટેલ ક્લાસીસની સામેના ભાગે છેલ્લા એક અઠવાડિયાથી લોખન્ડ અને પતરાના ઉપયોગ થકી ગેરકાયદે માંચડો ખડકાઈ રહ્યો હોય સમગ્ર મામલે વોર્ડ-10ના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતન સુરેજાનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. હાલમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ઉપર રોક હોવા છતાં ગેરકાયદે હંગામી બાંધકામનો માંચડો ઉભો થતા સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ ઉઠાવવામાં આવી છે.
બીજી તરફ જલારામ-2 સોસાયટી મેઈન રોડ ઉપર ઉમિયા ચોક નજીક મહાનગર પાલિકાની જાણ બહાર ખડકાઈ રહેલા ગેરકાયદેસર હંગામી બાંધકામ અંગે વોર્ડ-10ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર શૈલેષ સીતાપરાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ આવા ટેમ્પરરી સ્ટ્રક્ચર બાંધકામને એકપણ મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે આ બાંધકામને લઈ ફરિયાદ મળતા વર્ક આસીસ્ટન્ટને જલારામ-2 સોસાયટીમાં તપાસ માટે દોડાવવામાં આવતા ઉપરોક્ત સ્થળે ગેરેજ બનાવવા માટે ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાનું સામે આવતા તાત્કાલિક અસરથી બાંધકામ બંધ કરાવી બે દિવસમાં માલિકીના પુરાવા સાથે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે અને બે દિવસમાં પુરાવા રજૂ નહીં થાય તો બાંધકામ દૂર કરવામાં આવશે તેવું એટીપી શૈલેષ સીતાપરાએ જણાવ્યું હતું.