રાજકોટ : દર બુધવારે જ દોઢ લાખની ‘બેન્ક’ સાથે જામતી જુગારક્લબ પકડાઈ, 18.73 લાખનો મુદ્દામાલ કબજે
શહેરના કાલાવડ રોડ પર મોટામવા, અમરનાથ પાર્કમાં આવેલા રેઈનબો સિટી-2ના ત્રીજા માળે ફ્લેટ નં.302માં જામેલી હાઈપ્રોફાઈલ જુગારક્લબ ઉપર તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડોપાડી 10.80 લાખની રોકડ સહિત 18.73 લાખના મુદ્દામાલ સાથે આઠ જુગારીને પકડી પાડ્યા હતા. આ જુગારક્લબ દર બુધવારે જ જામતી અને તેમાં દોઢ લાખની બેન્ક મતલબ કે એટલી રકમ સાથે જ જુગારીઓને રમવા દેવામાં આવતાં હોવાનું ખુલ્યું હતું.
તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.એમ.મહારાજ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે ઉપરોક્ત ફ્લેટમાં દરોડો પાડી જુગારક્લબ સંચાલક પ્રવીણ હંસરાજભાઈ સંઘાણી, ભાવેશ પ્રવિણભાઈ પારજીયા (રહે.મોરબી), ભરત ગોરધનભાઈ સવસાણી (રહે.મોરબી), શાંતિલાલ ગોવિંદભાઈ ફેફર (રહે.મોરબી), મનોજ દામજીભાઈ દલવાડિયા (રહે.મોરબી), રોહિત ત્રિભોવનભાઈ બાવરવા (રહે.મોરબી), સંજય બાબુભાઈ જીવાણી (રહે.મોરબી) અને પુનિત માવજીભાઈ કૈલા (રહે.મોરબી)ને પકડી પાડ્યા હતા.
આ તમામ જુગારીઓ ક્લબ સંચાલક પ્રવિણ સંઘાણીના આમંત્રણને માન આપી જુગાર ખેલવા રાજકોટ આવ્યા હતા. આ ક્લબમાં દર બુધવારે કે જ્યારે કારખાનામાં રજા હોય ત્યારે જ જુગાર જામતો હતો. વળી, જે જુગારી પાસે દોઢ લાખ હોય તેને જ ફિલ્ડમાં બેસવા દેવાતો હતો. આ ક્લબ બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈને મોડે સુધી ધમધમતી હોવાનું પણ ખુલ્યું છે. પ્રવીણ સંઘાણીની આર્થિક સ્થિતિ નબળી હોય સદ્ધર થવા માટે તેણે આ જુગારનો અખાડો શરૂ કર્યો હતો અને બીજી વખત આ ફ્લેટમાં બેઠા હોવાનું રટણ કર્યું હતું. પોલીસે 10.80 લાખની રોકડ, 93 હજારના મોબાઈલ કિયા કંપનીની કાર સહિત 18.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.