શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર જાહેરમાં ચાર જેટલી વૈભવી કારના બોનેટ પર કેક રાખી ફટાકડા ફોડી નબીરાઓ દ્રારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.અને રોડ પર કારથી સ્ટંટ કરવામાં આવ્યા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ કરી હતી.દસાત શખસો સામે ગુનો નોંધ્યો હતો.અને તે પૈકી પાંચને ઝડપી લીધા હતા.
વિગત મુજબ નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અટલ સરોવર પાસેના રસ્તા નજીક ચાર જેટલી વૈભવી કાર નબીરાઓએ રસ્તા પર ઊભી રાખી કારના બોનેટ પર ચાર કેક મૂકી ફટાકડાઓ ફોડી જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.ત્યારે આ વિડીયો પોલીસ સુધી પણ પહોંચી ગયો હતો. જેથી પોલીસે જે સોશિયલ મીડિયા આઈડી પર આ વિડીયો મૂકવામાં આવ્યો હતો તે આઈડીના આધારે જન્મદિવસની ઉજવણી કરનાર નબીરાઓને પકડવા યુનિવર્સિટી પોલીસની ટીમ કામે લાગી હતી.દરમિયાન વિડીયોમાં જોવા મળતા દીગ્પાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ ભરતસિંહ વાઘેલા, હેતાંક્ષ અનિલભાઈ વાઘેલા,રાજવીરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, યશ પરેશભાઈ ગજ્જર,શાહીલ સલીમભાઈ સાંધ અને રાજન ભીમાણાઈ બાંભવા સામે ગુનો નોંધ્યો હતો.અને પોલીસે આરોપીઓ પૈકી પાંચને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.