TRP અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે. આ એક મહિના દરમિયાન ઘણું બધું થયુ છે અને ઘણુ બધુ થવાનુ છે પરંતુ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની લાપરવાહી બંધ નથી થવાની તે નક્કી છે. કોંગ્રેસે અગ્નિકાંડનાં પીડિતોને ન્યાય મળે તે માટે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. ત્યારે રાજકોટવાસીઓ બંધમાં જોડાયા છે. સવારથી દુકાનો બંધ જોવા મળી હતી.
રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશના દિગ્ગજ નેતાઓના પણ ધામા જોવા મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનો પણ રાજકોટ ખાતે આવી પહોંચી આવ્યા હતા. આજે TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા 27 જેટલા લોકોના ન્યાય માટે સમગ્ર રાજકોટની જનતાએ સમર્થન આપ્યું હોય તે રીતે રાજકોટની મુખ્ય બજારો પણ સુમસામ જોવા મળી હતી. રાજકોટના વેપારી જ નહીં પરંતુ સ્કૂલ સંચાલકો, કોલેજો, હોટલ સહિતના ઉદ્યોગકારોએ પણ બંધને સમર્થન આપ્યું હતું.
રાજકોટવાસીઓએ બંધ પાડતા કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી બજારમાં પહોંચ્યા હતા. રાજકોટવાસીઓએ બંધ પાડી પોતાની સંવેદના વ્યક્ત કરી છે ત્યારે જીગ્નેશ મેવાણીએ લોકોનો આભાર માન્યો હતો તેમજ કહ્યું હતું કે નવી Sit ની રચના તેમજ મૃતકોને ન્યાય મળે તે માટે લડીશું. રાજકોટમાં ૯૯% સ્કૂલો બંધ જોવા મળી હતી ત્યારે જે સ્કૂલો ખુલી હતી ત્યાં કોંગ્રેસના કાર્યકરો અને NSUIના કાર્યકરો દ્વારા વિનંતી કરીને બંધ કરાવવામાં આવી હતી. વેપારીઓ અને સ્કૂલ સંચાલકોએ બંધને સમર્થન આપ્યું હતું.
આજે રાજકોટ શહેરને ખાનગી સ્કૂલો કોલેજો, વકીલ એ સોશિયલ, રાજકોટ ટી એસોસિએશન, રાજકોટ ચેમ્બર કોમર્સ, હોટલ એસોસિએશન, રિક્ષા એસોસિએશન, ટેક્સી એસોસિએશન, ઓટો કન્સલ્ટિગ એસોસિએશન, ભક્તિનગર એસોસિએશન, ઇમિટેશન ઝવેરી એસોસિએશન, સોની બજાર એસોસિએશન, ધ સ્ટેશનરી એસોસિએશન, જંકશન-ગાયકવાડી વેપારી મંડળ, કોસિંગ એસોસિએશન, બાર એસોસિએશન સહિતના એસોસિએશને આજે કોંગ્રેસના બંને સમર્થન આપ્યું હતું અને રાજકોટ બંધ જોવા મળ્યું હતું.
ખરા અર્થમાં રાજકોટને ભ્રષ્ટાચાર અને લાપરવાહી બંધ થાય તે માટે બંધની જરૂર છે. આ એક મહિના દરમિયાન ઘણા ઉચ્ચ અધિકારીઓના ભોપાળા બહાર આવ્યા છે. બહારથી અહી પોસ્ટીંગ મેળવતા મોટા મોટા અધિકારીઓ ‘ રામ કી ચીડિયા, રામ કા ખેત ‘ ની જેમ અહીંથી રૂપિયા ઉસેડે છે અને સામાન્ય લોકોની આંખો ચાર થઇ જાય તેટલી મિલકતો એકઠી કરે છે. આવા અધિકારીઓ તેમની નીચેના અધિકારીઓને પણ આવી છૂટ આપે છે અને તેનો તાજો દાખલો ટાઉન પ્લાનિંગ અધિકારી એમ.ડી. સાગઠીયા છે.
સાગઠીયા અને બીજા જે જે અધિકારીની ધરપકડ થઇ છે અને હાલમાં જેલમાં છે તે તો છીંડે ચડેલા ચોર જેવા છે. ચોરી કરવી પાપ નથી પણ પકડાઈ જવું એ પાપ છે એવું બધા બોલતા હોય છે અને સાગઠીયાના મામલામાં આવું જ થયુ છે. જે પાપ થયુ તેમા સાગઠીયાથી ઘણા મોટા અધિકારીઓ ભાગીદાર છે પણ હજુ સુધી તેમને કાઈ થયું નથી.
રાજકોટમાં ચમરબંધીઓને રાજકારણીઓનું સુરક્ષા કવચ મળે છે તે બધાને ખબર હતી પણ આ અગ્નિકાંડથી તો તે સાબિત થઇ ગયું છે. હવે આ પ્રેક્ટીસ પણ બંધ કરવાની જરૂર છે.
અગ્નિકાંડની ઘટના પછી જે રીતે ભ્રષ્ટાચારની વિગતો બહાર આવી રહી છે તે સૌ કોઈને ચોંકાવી દ્યે તેવી છે. અહી જે સત્તામાં આવ્યુ તે વ્યક્તિએ ‘ હાથમાં એના મોઢામાં ‘ એમ માનીને ખાધુ છે.
રાજકોટની પ્રજા આ બધું મૂંગા મોઢે જોઈ રહી છે..સાંભળી રહી છે. સહન કરી રહી છે. પણ જો એક દિવસ આ ધીરજનો બંધ તૂટી જશે તો ઘણા રસ્તા ઉપર આવી જશે તે નક્કી છે. ચૂંટણી જીતી લીધી એટલે પ્રજાએ આપણને જેવા છીએ તેવા સ્વીકારી લીધા છે એમ માનવુ પણ ભૂલ ભરેલું છે.દેશમાં કોંગ્રેસના શાસનમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી અને એ વાતને આજે ૨૫મી જુને ૫૦ વર્ષ પુરા થયા છે.પણ આજે ૨૫મી જુને રાજકોટવાસીઓ કટોકટીમાં છે. વડાપ્રધાને આજે કહ્યું કે કટોકટી એ ભારતની લોકશાહી ઉપર કલંક સમાન છે.. તો એ પણ કહેવું પડે કે અગ્નિકાંડ એ રાજકોટ ઉપર કલંક સમાન છે.
રાજકોટ આવું તો નહોતું જ..રાજકોટને એક સમયે રંગીલુ કહેવાતુ હતું..પરંતુ આજે શહેરને કોઈની નજર લાગી ગઈ છે.