રાજકોટ : દારૂ પીવા, વીડિયો ઉતારવા, હોર્ન વગાડવા, ગાળો બોલવા, કોર્ટ કેસ બાબતે મારામારી ; પોલીસનો ‘શસ્ત્ર’ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં ગુનેગારોના શસ્ત્રો બેલગામ
ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ રાજકોટના પાંચ સહિત રાજ્યના ૩૩ પોલીસ મથકને અલગ તારવવામાં આવ્યા હતા કેમ કે આ તમામ પોલીસ મથકના હદ વિસ્તારમાં સાંજે ૬ વાગ્યાથી લઈ રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં શરીરસંબંધી ગુનાખોરી વધુ પ્રમાણમાં રહેતી હોય તમામ પોલીસ મથકમાં એક ખાસ ટુકડી તૈનાત કરી પેટ્રોલિંગ ઉપર વધુ ભાર આપવાનો આદેશ છૂટ્યો હતો. આ પ્રોજેક્ટને `શસ્ત્ર’ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું જેનો હજુ સુધી રાજકોટમાં પ્રારંભ થયો નથી. હવે શહેરમાં પોલીસનો `શસ્ત્ર’ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ ગુનેગારોના શસ્ત્ર બેલગામ થઈ ગયા હોય તેવી રીતે નાની-નાની બાબતે છરી, ધોકા, પાઈપનો છૂટથી ઉપયોગ કરી ઘાયલ કરી નાખ્યાના છ બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે.
શહેરની રામનાથપરા પોલીસ લાઈન પાસે હોથી સર્વિસ સ્ટેશન સામે નજીરખાન યુસુફી, નોહિન નજીરખાન યુસુફી, બિલાલખાન, નુરજહા, અફસાના, રોશનબેન સહિતનાએ મળી નોહિનના સગા કાકા ગુલામકાદર ઉપર તલવાર, છરીથી હુમલો કર્યો હતો. નોહિનને દારૂ પીવાની આદત હોય તે છોડી દેવા માટે ગુલામકાદરે સલાહ આપતાં જ ઉશ્કેરાઈને આ હુમલાને અંજામ અપાયો હતો.
જ્યારે કેકેવી હોલ પાસે ટ્રાફિક પોલીસ ચોકીની સામેની શેરીમાં દેશી દારૂ વેચાઈ રહ્યો હોવા અંગેનો વીડિયો ઉતારી રહેલા કપિલ હરેશભાઈ દાફડા ઉપર અનિલ તેમજ અનિલના પુત્રએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. આ જ રીતે ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર કાનાભાઈ સવાભારૂ વરુ (ઉ.વ.૩૦) નામનો વેપારી કારમાં જઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા એક્ટિવાચાલક દ્વારા સાઈડ આપવામાં આવી રહી ન હોય વારંવાર હોર્ન વગાડતાં જીજે૩-પીબી-૭૨૮૩ના ચાલકે ઉશ્કેરાઈને કાના વરુ ઉપર છરીથી હુમલો કરી કારના કાચ ફોડ્યા હતા.
આ ઉપરાંત કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પાસે ભાનુબેન પ્રવિણભાઈ બગડા ઉપર ભગવાનજી ધોરાળિયાઈ શક્તિ ધોરાળિયા, ગડા પરમાર, હિતેશ ધોરાળિયા, ભગવાનજીના જમાઈ સહિતે અગાઉની માથાકૂટનો ખાર રાખી હુમલો કરતાં પોલીસ દોડતી થઈ હતી.
રૈયાગામ સ્મશાન પાસે ઈંટના ભઠ્ઠા પાસે રહેતી ૨૪ વર્ષીય ગૃહિણી જ્યોતિ પરેશભાઈ શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ પરેશનો જન્મદિવસ હોય તે તેના મીત્ર લક્ષ્મણસિંહ શાહુના ઘેર ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક સગીરે તેમના પર છરીથી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસને પૂછવામાં આવતાં એવું જણાવાયું હતું કે આ માથાકૂટ ગાળો બોલવા બાબતે થઈ હતી. પરેશ સગીરના ઘર પાસે ગાળો બોલતો હતો. આ વેળાએ સગીરના માતા પણ ત્યાં હાજર હોય પરેશને ગાળો ન બોલવા કહેવા છતાં તે માન્યો ન્હોતો જેના કારણે સગીરે ઉશ્કેરાઈને છરીનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ સગીરને સકંજામાં લીધો હતો.
‘શસ્ત્ર’ પ્રોજેક્ટ અમલી કરવા પોલીસ કમિશનરની બેઠક
રાજકોટના આજી ડેમ, થોરાળા, બી-ડિવિઝન, ભક્તિનગર અને યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધી શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ હોવાથી આ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે ખાસ ટુકડી તૈનાત કરવા તેમજ શસ્ત્ર પ્રોજેક્ટને ઝડપથી અમલી બનાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.