રાજકોટ : માજી, તડકો બહુ છે ‘સોડા પી લ્યો’ કહી યુગલ ઘરેણા ચોરી ગયું !! ઈન્દીરા સર્કલ પાસે ભરબપોરે બનેલો બનાવ
રાજકોટમાં ચોરી અને છેતરપિંડીના બનાવો જે પ્રકારે બની રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે તેમ કહેવામાં શંકાને કોઈ સ્થાન નથી. વળી, જે પ્રકારે લોકોને લૂંટવા માટે કીમિયા અખત્યાર કરવામાં આવી રહ્યા છે તે પણ લોકોને માથું ખંજવાળતા કરી દે તેવા હોય છે. આવો જ એક કિસ્સો ઈન્દીરા સર્કલ પાસે બન્યો હતો જ્યાં એક યુગલે ઘેની સોડા પીવડાવીને વૃદ્ધાના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો.
આ અંગે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયામાં સફાઈનું કામ કરતા વસંતબેન હરીસિંહભાઈ ચૌહાણ (ઉ.વ.૭૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ચાર દિવસ પહેલાં તેઓ બપોરે બેન્કની નોકરી પરથી છૂટને રેલનગરમાં આવેલા પોતાના ઘેર જવા માટે નીકળીને ઈન્દીરા સર્કલથી કોટેચા ચોક તરફ જતાં રસ્તે સિટી બસ સ્ટોપ પર પહોંચ્યા હતા. અહીં તેઓ રેલનગરની સિટી બસ આવે તેની રાહ જોઈ રહ્યા હતા બરાબર ત્યારે જ બપોરે દોઢેક વાગ્યા આસપાસ મોટર સાઈકલ પર એક સ્ત્રી-પુરુષ આવ્યા હતા અને તેણે `માજી, તડકો બહુ છે, સોડા પીવી છે ?’ તેમ કહી બસ સ્ટોપ સામે આવેલી દુકાનેથી સોડા લાવીને વસંતબેનને પીવડાવી હતી. સોડા પીધાં બાદ વસંતબેન અર્ધબેભાન થઈ ગયા હતા. ત્યારબાદ સ્ત્રી-પુરુષે કાનમાં પહેરેલી સોનાની બુંટીઓ અને પાકિટમાં રહેલી રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
વસંતબેન અર્ધબેભાન થઈ ગયા હોવાથી ત્યાંથી પસાર થતાં લોકોએ તેમના પુત્ર સંજયને જાણ કરતાં સંજયે દોડી આવી વસંતબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. વસંતબેને કહ્યું કે જે સ્ત્રી આવી હતી તેણે લાલ કલરની સાડી પહેરી હતી તો પુરુષે દુધીયો શર્ટ અને પેન્ટ પહેર્યું હતું.