રાજકોટ કલેક્ટરે લોકમેળામાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે યોજી મોકડ્રિલ : સ્થળ ચકાસણી કરી તૈયારીઓની સમીક્ષા કરી
દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 14 ઓગસ્ટથી શરૂ થનારા “શૌર્યનું સિંદૂર-2025” લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ લોકમેળામાં ઉમટી પડનારા જન સમુદાય કોઈ તકલીફ વગર આરામદાયક રીતે મેળો માણી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ
મેળાની તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે આજે મેળાનાં સ્થળની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ સભ્યોને તેમની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. કલેક્ટરએ જણાવ્યું હતું કે, આજે લોકમેળા આયોજન સમિતિ દ્વારા લોકમેળાના રૂટની મુલાકાત કરવામાં આવી છે. મેળાની તમામ રાઇડ્સ, ખાણીપીણી, સ્ટોલ્સ, એક્ઝિબિશન સહિતના તમામ સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી. મેળામાં લોકો સુગમતા સાથે હરી–ફરી શકે તે માટે ચાલવાનાં રસ્તાની પહોળાઇ વધારવામાં આવી છે.

લોકમેળાની સુરક્ષા અંગે કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, મેળામાં પૂરતી સંખ્યામાં વૉચ ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાંથી પાંચ વૉચ ટાવર નજીકમાં ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત રાખવામાં આવી છે, જેમાં NDRF, SDRF, હેલ્થ, પોલીસ અને ફાયર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તેવા સંજોગોમાં આ ટીમ ઝડપથી સક્રિય થઈ જરૂરી પગલા લઈ શકે. આ ઉપરાંત, ઈવેક્યુએશન પ્લાનની પણ બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી છે, તેમજ મેળામાં ગેરકાયદે દબાણ ના થાય તે બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ઈવેક્યુએશન (સ્થળાંતર) પ્લાનના રૂટ પર પાક્કું બેરીકેટીંગ કરવામાં આવશે, જેથી આપાતકાલીન સ્થિતિમાં જરૂર પડ્યે ફાયરવાન અને એમ્બ્યુલન્સ સરળતાથી આવન જાવન કરી શકે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ

વરસાદના કારણે પાણી ભરેલી જગ્યાએ મટિરિયલ પાથરીને રસ્તાને સમથળ કરવામાં આવશે. કેબલ, ઇલેક્ટ્રીક અને સિવિલ વર્ક સહિતની તમામ કામગીરી પૂર્ણતાના આરે છે, તેમ કલેક્ટરએ ઉમેર્યું હતું.

રાજકોટ લોકમેળા સંદર્ભે મોકડ્રીલ યોજાઈ
લોકમેળામાં ઊંચા ફજર-ફાળકામાં સર્જાયેલી કોઈ ટેક્નિકલ ક્ષતિના કારણે એક વ્યક્તિ અંદાજે 20 ફૂટ ઊંચે ફસાઈ ગયો હતો. તે “બચાવો-બચાવો”ની બૂમ પાડી રહ્યો હતો. તેનો અવાજ સાંભળીને એક જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યૂ માટે કોલ કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ રેસ્ક્યૂ કોલ મળતાની સાથે જ ગણતરીની ક્ષણોમાં ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના હાઈડ્રોલીક પ્લેટફોર્મના માધ્યમથી રાઇડમાં ફસાયેલા વ્યક્તિને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન બાજુની રાઇડ્સમાં લાગેલી આગ પર પણ કાબુ મેળવવામાં આવ્યો હતો. આ રાહત બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ, SDRF, હેલ્થ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ ત્વરિત સંકલન સાધીને ફસાયેલી વ્યક્તિને બચાવી લીધો તથા એ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને અંતે મોકડ્રીલ જાહેર કરાતા સૌ ઉપસ્થિતોને હાશકારો થયો હતો.

આ સમગ્ર મોકડ્રીલનું આયોજન કલેક્ટર ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, પ્રાંત અધિકારી ચાંદની પરમાર સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં NDRF, SDRF, ફાયર, હેલ્થ અને પોલીસ સહિતનાં વિભાગોનાં કર્મચારીઓની સજાગતા અને કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી.

