રાજકોટના વેપારી સાથે છેતરપિંડી : ચેન્નાઇમાં ખાંડનો જથ્થો ખરીદવા જતાં રૂ.45 લાખ ખોયા, વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટમાં કાલાવડ રોડ પર ન્યુ કોલેજવાડી કોલેજવાડી શેરી નં.3માં રહેતા, ખાદ્ય ચીજોના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાર્થી તુષાર મનહરભાઈ ઈલાણીએ દુબઈ ખાંડનો જથ્થો સપ્લાય કરવા ત્રણ વર્ષ પૂર્વે ચેન્નાઈના ખાંડના ધંધાર્થીને ઓર્ડર આપીને ૩૫ લાખ રૂપિયા ચૂકવ્યા અને ખાંડનો જથ્થો પણ નહીં મળતા કન્ટેનરના 9,91,200નું ભાડું પણ ચૂકવવું પડતા ચેન્નાઈના તમીલરસી પેરૂમલ જે એલીપ્સ યુનિવર્સલ ટ્રેડિંગ ઈન્ડિયા પ્રા.લિ. નામની પેઢીના ડીરેક્ટરના કારણે 44.91 લાખ રૂપિયાની નુકસાની, છેતરપિંડી આચર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગતો મુજબ તુષાર ઈલાણી ભાગીદારીમાં ખાદ્યચીજોની આયાત-નિકાસનો બારોટજી ઈન્ટરનેશન નામે ભાગીદારી પેઢીમાં વેપાર ધરાવે છે. સત્ય સાંઈ રોડ પર શ્રી બિલ્ડિંગમાં ઓફિસ હતી એ સમયે 2022માં દુબઈમાં 1000 ટન ખાંડનો જથ્થો પુરો પાડવાનો હતો જેથી તેણે અલગ-અલગ ખાંડના વેપારીઓ સંપર્ક સાથે ચેન્નાઈમાં વલાસ રાવકમ પ્રકાશમ અલીયા સરસ્વતી રામક્રિષ્ન શેરીમાં આવેલી યુનિવર્સલ કંપનીના ડીરેક્ટર તમીલરસી પેરૂમલનો સંપર્ક સાધ્યો હતો. બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. પ્રથમ 135 ખાંડનો એક કિલોના 36 રૂપિયાના ભાવે તુષાર ઈલાણીએ ઓર્ડર આપ્યો હતો.
ચેન્નાઈ કંપનીને 540 ટન ઓર્ડર સાથે 35 લાખ રૂપિયા આરટીજીએસથી ચૂકવ્યા હતા. કંપની તરફથી ટેક્સ મેસેજમાં ઈ-વે બીલ મોકલાયા અને 25 ટનના ચાર ટ્રકના 100 ટન ખાંડના બીલ મળ્યા પરંતુ માલ મળ્યો ન હતો. વેપારી દ્વારા હા-ના કરાતી રહી જેથી 25-1-23ના રોજ તુષાર ઈલાણી પોતે ચેન્નાઈ ગયા હતા. તમીલરસીને મળ્યા હતા, તેણે બહાના બતાવ્યા કે માલ ન આવ્યો એટલે મોકલી ન શક્યો. હવે મોકલી આપીશ કહી સમય માંગ્યો અને 20 લાખનો ચેક આપ્યો હતો જેથી વિશ્વાસ રાખી વેપારી રાજકોટ પરત ફર્યા. ખાતરી મુજબ ઓર્ડર મુજબ માલ નહીં મળતા 20 લાખનો ચેક બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. ત્યારબાદ અનેક વખત વાતોમાં મોકલવાના વચનો થયા બાદમાં કોઈ પ્રોપર રિપ્લાય પણ ન મળતા અંતે છેતરાયેલા ધંધાર્થીએ તાલુકા પોલીસ મથકમાં ગતરાત્રે તમીલરસી તથા તપાસમાં ખુલે તેની વિરૂધ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતના આરોપસર ગુનો નોંધાવ્યો હતો.
