રાજકોટ : બૂટલેગર-પ્યાસીની દિવાળી બગડી : મોટા દડવા અને ગોંડલના ચોરડી ગામની સીમમાં દરોડા પાડીને અડધા કરોડનો દારૂ ઝડપ્યો
દિવાળી ઉપર પ્યાસીઓ મોઢે માંગ્યા ભાવ ચૂકવતાં હોય બૂટલેગરો દ્વારા મોટાપાયે સ્ટોક કરી લેવામાં આવે છે. આવો જ દારૂનો એક મોટો જથ્થો બૂટલેગર સુધી તો પહોંચી ગયો હતો પરંતુ ત્યાંથી પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે દારૂ પકડી પાડી બૂટલેગર-પ્યાસી બન્નેની દિવાળી બગાડી નાખી હતી. રાજકોટ (ગ્રામ્ય) એલસીબી અને એસઓજીએ મોટા દડવા અને ગોંડલના ચોરડી ગામની સીમમાં દરોડા પાડીને અડધા કરોડનો દારૂ પકડી પાડ્યો હતો.
રાજકોટ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા તેમજ એસઓજીના પીએસઆઈ બી.સી.મિયાત્રા સહિતની ટીમે આટકોટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા મોટા દડવા ગામની સીમમાંથી રાજકોટના નામચીન બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમ અને સોયેબ રજાકભાઈ ઓડિયાએ ૪૫૦ કિલોની ક્ષમતાવાળા મોટા ગેસ સિલીન્ડરમાં છુપાવીને મંગાવેલો ૧૩.૮૦ લાખની દારૂની ૨૪૬૦ બોટલ પકડી પાડી હતી. જો કે અલ્તાફ ઉર્ફે છ આંગળી અને સોયેબ ઓડિયા હાથ ન લાગતાં તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અહીંથી પોલીસે દારૂ સહિત ૨૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ રીતે ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં રાધે ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાંથી ૩૪.૯૯ લાખની દારૂની ૬૨૨૮ બોટલ સાથે શંબુનાથ બારીક (રહે.રાજકોટ ભાવનગર રોડ) તેમજ પુલીન પાત્રા (રહે.ભાવનગર રોડ-રાજકોટ)ને પકડી પાડ્યા હતા. આ બન્ને મજૂર તરીકે દારૂ ઉતારી રહ્યા હતા ત્યારે જ પોલીસે ત્રાટકીને દારૂ પકડી લીધો હતો. પોલીસે આ દારૂ કોનો છે તે સહિતની વિગતો કઢાવવા માટે બન્નેની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે.