15 જાન્યુ. સુધી રાજકોટ એરપોર્ટ ઓથોરિટી અને CISF એલર્ટ પર: PM મુવમેન્ટને લઈને 600થી વધુ કર્મચારીઓની રજાઓ કેન્સલ
રાજકોટમાં યોજાનારી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટને લઈ સમગ્ર દેશ તેમજ વિશ્વની નજર રાજકોટ પર મંડાઈ છે. આગામી તા. 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકોટ આગમનને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળ તેમજ એરપોર્ટ વ્યવસ્થાને લઈને તમામ વિભાગો એલર્ટ મોડમાં આવી ગયા છે.
પ્રધાનમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એરપોર્ટના ટર્મિનલથી લઈને તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ વિભાગોમાં કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પી.એમ.ની મુવમેન્ટને લઈને નોટિફિકેશન જાહેર થતાં જ એરપોર્ટના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ એરપોર્ટ ઓથોરિટીના ઓપરેશનલ, સીએનએસ, એચ.આર., એકાઉન્ટ, એ.ટી.સી. સહિત તમામ વિભાગોના કર્મચારીઓ તેમજ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત સી.આઈ.એસ.એફ.ના જવાનોની રજાઓ 15 જાન્યુઆરી સુધી કેન્સલ કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત 600થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર હાજર રહે તે માટે આદેશ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના આગમન દરમિયાન કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તેમજ સુરક્ષા અને વ્યવસ્થા સુચારુ રહે તે માટે એરપોર્ટ પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો :રાજકોટ વાઈબ્રન્ટમાં નવી એરોસ્પેસ-ડીફેન્સ પોલિસીની જાહેરાતની સંભાવના: આવનારા સમયમાં ગુજરાત બનશે ડીફેન્સ હબ
રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટને કારણે રાજકોટમાં મહેમાનોની સંખ્યા વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ સ્તરે તૈયારી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
