રાજકોટ-અમદાવાદ હાઈ-વે કામના હજુ ઠેકાણાં નથી !! 7 વર્ષ પહેલાં કયા ચોઘડિયે કામ શરૂ કરાયું હશે કે હજુ પૂર્ણ થવાનું નામ જ નથી લેતું ?
સાત વર્ષ પહેલાં કયા ચોઘડિયે કામ શરૂ કરાયું હશે કે હજુ પૂર્ણ થવાનું નામ જ નથી લેતું ?
નવાગામ નદી પરના બ્રિજનું કામ ચાલું છે અને ત્રણ માસમાં પૂરું થશે પણ કૂવાડવા બ્રિજનું કામ ફાઈલોમાં કેદ છે
લોકો પરેશાન થાય છે છતાં હાઈ-વે ઓથોરિટી અને કલેક્ટર તંત્રના પેટનું પાણી હલતું નથી
ફરિયાદ સંકલનની બેઠકમાં ધારાસભ્યોને પણ ખબર નથી' એવા જવાબો આપી દેવાયા
આજથી સાત વર્ષ પહેલાં રાજકોટ-અમદાવાદ હાઈ-વેને સીક્સ લેન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ન જાણે આ કામ કયા ચોઘડિયે શરૂ કરવામાં આવ્યું હશે કે પૂર્ણ થવાનું નામ જ લઈ રહ્યું નથી. વળી, આ કામ આખરે શા માટે પૂર્ણ થઈ રહ્યું નથી તેનો ચોક્કસ જવાબ સામાન્ય જનતાને તો ઠીક પરંતુ હવે ધારાસભ્યોને પણ મળી રહ્યો નથી ! દર મહિને કલેક્ટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાય છે ત્યારે દરેક બેઠકની જેમ આ બેઠકમાં પણ ધારાસભ્યો દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપરાંત રાજકોટ-ઉપલેટા સહિતના હાઈ-વેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ તેનો સચોટ જવાબ આપવામાં ન તો હાઈ-વે ઓથોરિટી કે ન તો કલેક્ટર તંત્ર સક્ષમ જણાયા હતા. રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ ઉપરાંત ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના દ્વારા રાજકોટ-અમદાવાદ, રાજકોટ-જેતપુર, રાજકોટ-ઉપલેટા સહિતના થંભી ગયેલા હાઈ-વેના કામ અંગે તંત્રને પૂછવામાં આવ્યું હતું.

આ પછી તંત્ર દ્વારા એવો જવાબ અપાયો કે નવાગામ નદી પરના બ્રિજનું કામ ચાલું છે જે ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે. જ્યારે કૂવાડવા બ્રિજનું કામ ક્યારેય પૂર્ણ થશે તેનો જવાબ આપવાની સ્થિતિમાં કોઈ જણાયું ન્હોતું. એકંદરે આ કામ ફાઈલોમાં કેદ હોવાનું સ્પષ્ટપણે લાગ્યું હતું. રસ્તા કામથી લોકો રીતસરના પરેશાન થઈ રહ્યા છે આમ છતાં હાઈ-વે ઓથોરિટી અને કલેક્ટર તંત્રના પેટનું પાણી હલતું નથી.

આશ્ચર્ય તો એ વાતનું છે કે ઉપરોક્ત હાઈ-વેનું કામ આખરે કયારે પૂર્ણ થશે તેની અવધિ એટલે કે સમયમર્યાદા કોઈ જણાવી શક્યું ન્હોતું સાથે સાથે ધારાસભ્યોનેખબર નથી’ એવા જવાબો આપી દેવાયા હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે ધારાસભ્યો પણ આ બાબતે કાચા પડી રહ્યા હોય તેવું લોકોને લાગ્યા વગર રહેતું નથી. ખાસ કરીને રાજકોટ-અમદાવાદ હાઈ-વેની વાત કરવામાં આવે તો આ કામ સાત વર્ષથી ચાલી રહ્યું છે આમ છતાં તંત્ર દ્વારા `વર્ક ઓર્ડર આપી દેવાયો છે, બને એટલું ઝડપથી કામ કરશું’ તેવા જવાબ અપાયા અને તેને ધારાસભ્યોએ શિરોમાન્ય પણ રખાયા હતા !!
