- યુવક પત્ની સાથે મંદિરે આવ્યો ત્યારે છરી સાથે ઘસી આવેલા હિસ્ટ્રીશીટરે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલો કર્યો
- લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો : એ ડિવિઝન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં શાસ્ત્રીમેદાન પાસે પંચનાથ પ્લોટ શેરી નંબર-5માં દિગંબર જૈન મંદિરમાં દર્શને આવેલા દંપતિ મંદિરના પ્રાંગણમાં ઉભા હતા ત્યારે ધસી આવેલા હીસ્ટ્રીશીટરે છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા.અને તેમનું આંતરડું કાઢી નાખતા તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અને આ મામલે એ ડિવિઝન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ હરીધવા મેઈનરોડ પર અયોધ્યા સોસાયટી શેરી નં.5માં રહેતા અમીતભાઈ પરસોતમભાઈ સગપરીયા (ઉ.40)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં હિસ્ટ્રીશીટર ભાવેશ વિનોદ ગોલનું નામ આપતા જણાવ્યું હતું કે,ગઇકાલ સવારના સાતેક વાગ્યાની આસપાસ તેમના પત્ની રીનાબેન સાથે શાસ્ત્રીમેદાન પાસે પંચનાથ પ્લોટ શેરી નંબર-5માં આવેલા દિગંબર જૈન મંદિરે પૂજા કરવા આવ્યા હતા. બાદમાં તેઓ પૂજા કરી મંદિરના પ્રાંગણમાં ઉભા હતા ત્યારે ધસી આવેલા ભાવેશ ગોલ નામના શખ્સે ઝઘડો કરી છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા.અને તેમનું આંતરડું બહાર કાઢી નાખ્યું હતું. જેથી તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને એ ડિવિઝન પોલીસને બનાવની જાણ થતાં તેઓ દોડી આવી આવ્યા હતા.
આ મામલે ઈજાગ્રસ્ત અમીતભાઈ સગપરીયાએ જણાવ્યું હતું કે,કોરોના પહેલા આરોપી ભાવેશ ગોલના મકાનમાં ભાડેથી રહેતા હતા ત્યારે બંને વચ્ચે કોઈ મામલે ડખ્ખો થયો હતો.ત્યારે આરોપીએ તેમની પત્ની રીના પર બે વખત હુમલો કર્યો હતો. જેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.અને તે બાબતનો ખાર રાખી ફરી હુમલો કર્યો હતો.જ્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા ભાવેશ વિનોદ ગોલ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.અગાઉ પણ ભાવેશ વિનોદ ગોલ સામે અનેક પોલીસ ફરિયાદો થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.