રાજકોટ : મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીલોર પરથી પટકાતા યુવકનું મોત
- નવરાત્રીનું સ્ટેજ તૈયાર કરી રહ્યો હતો ત્યારે પંદર ફુટ ઉચાઈના પિલોર પરથી નીચે પડી જતાં જીવ ગયો
શહેરમાં મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવરાત્રીની તૈયારી રૂપે સ્ટેજના એલ્યુમિનીયમના પિલોર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હતું.ત્યારે રાત્રીના બે વાગ્યે આ કામ કરી રહેલો યુવાન અકસ્માતે પંદર ફુટ ઉચાઈના પિલોર પરથી પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.
વિગત મુજબ રેલનગર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતો રોનકભાઈ હિતેષભાઇ માકડીયા (ઉ.વ.૨૭) નામનો યુવાન ભાગીદારીમાં મંડપ સ્ટેજ ડેકોરેશનનું કામ કરતો હોઇ હાલમાં નવરાત્રી નિમીતે મારવાડી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેજ તૈયાર કરવાનું કામ મળ્યું હતું.અને પોતે તથા બીજા કારીગરો રાતે કામ કરી રહ્યા હતાં તે વખતે રોનકભાઈ અકસ્માતે પંદરેક ફુટ ઉંચા પિલોર પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહિ તેને સારવારમાં દમ તોડી દીધો હતો.આ મામલે કુવાડવા રોડ પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક રોનકભાઈ બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા હિતેષભાઇ પંચર સાંધવાની કેબીન ચલાવે છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના મૃત્યુથી માકડીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.