8 મોટર સાઇકલ અને અલગ-અલગ સ્પેરપાર્ટસ મળી ત્રણ લાખનો મુદામાલ જપ્ત : એ-ડિવિઝન પોલીસે પાંચની ધરપકડ કરી : વાહનોને ચોરીને રૂડા ટ્રાન્સપોર્ટમાં છુપાવી દીધા’તા
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં વાહનોનો ચોરી કરી તેને ભંગારમાં વેચી દેવાના કારસ્તાનનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. અને મહિલા કોલેજ અંડર બ્રિજ પાસેથી ચોટીલા પંથકના રીઢા વાહન ચોરને ઝડપી લીધા બાદમાં ચોરીના વાહન સાચવનાર-ખરીદનાર અને સ્પેરપાર્ટ ખરીદનાર સહિત પાંચની ધરપકડી કરી છે.જ્યારે પોલીસે 8 વાહન તથા વાહનોના સ્પેરપાર્ટ સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરી હેઠળ એએસઆઈ એમ.વી.લુવા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બસિયા અને કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયાને મળેલી ચોક્કસ બાતમી આધારે મહિલા કોલેજ અંડર બિજ રેલવે પાટા પાસેથી ચોરીના એકટીવા સાથે ચોટીલાના નવઘણ ઉર્ફે નઘો રામજીભાઈ સાડમિયાને પકડ્યો હતો.અને તેને આ એકટીવા ૨૫ દિવસ પૂર્વે પેલેસ રોડ પર પાર્કિંગમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે નવઘણની પૂછતાછ કરતા તેણે આ સિવાય પણ અન્ય વાહનોની ચોરી કરી આ વાહન તથા તેના સ્પેરપાર્ટ સાત હનુમાન નવાગામ કુવાડવા રોડ પર ઝૂપડામાં છુપાવી રાખ્યા હોવાનું જણાવતા પોલીસે અહીંથી અલગ-અલગ ૮ બાઇક તથા તેના સ્પેરપાર્ટસ મળીને કુલ રૂ.3.01 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત પોલીસે વાહનોને સાચવનાર અશોક ઉર્ફે બાવ ભીખાભાઈ જખાણીયા (રહે. નાકરાવાળી કુવાડવા રોડ), ખરીદનાર વિજય સોમાભાઈ વાઘેલા (રહે, ગંજીવાડા મહાકાળી ચોક, દૂધસાગર રોડ) ,ભંગારના ધંધાર્થી પ્રકાશ આશુભાઈ ગુર (રહે.શિવનગર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ) અને પ્રભુ પ્રભાતસિંહ ગુર (રહે. ભોલેનાથ સોસાયટી શેરી નંબર ૨ માધાપર)ને પકડી પડયા હતા.આરોપી છેલ્લા ઘણા સમયથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આંટાફેરા કરી ભીડભાડવાળા વિસ્તારમાં પાર્કિંગમાં જૂના મોટરસાયકલ જેમાં હેન્ડલ લોક ના હોય તેને ડાયરેકટ કરી ચોરી કરી ઘરે લઈ જઈ તેના તમામ સ્પેરપાર્ટ અલગ કરી ભંગારમાં વેચી દેતો હતો.
બાઇક નવઘણે કયા-કયાથી વાહનો ઉઠાવ્યા હતા.
આરોપી નવઘણ ઉર્ફે નઘાએ અલગ-અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરી હતી જેમાં ૨૫ દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી એક્ટિવાની ચોરી કરી હતી. પંદર દિવસ પૂર્વે ૮૦ ફુટ રોડ પરથી સ્પ્લેન્ડર,તે સમયે ગોંડલ રોડ પર ડી-માર્ટ પાસેથી નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર તેમજ દોઢ વર્ષ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એક્સેસની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જે અંગે એ ડિવિઝન, થોરાળા, માલવિયાનગર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી ચૂકી છે.