રાજકોટ: પોલીસ મથકે લઇ જવાયેલી મોંઘેરો દારૂ ભરેલી કાર પળવારમાં ગાયબ! કુવાડવા હાઇ-વે પર ટ્રાફિક બ્રાન્ચે ચેકિંગના નામે કામ ઉતાર્યું?
રાજકોટની બહાર હીરાસર એરપોર્ટ બન્યા બાદ પોલીસને પણ કામ મળી રહે છે. એરપોર્ટથી રાજકોટ તરફ આવતી કાર કે આવા વાહનને ચેકિંગના નામે અટકાવી અથવા તો ચોક્કસ `ટીપ’ જ મળી હોય એટલે સીધા જ આંતરી લેવાતા હોય છે અને બંધ બારણે બધું સમુસુતરૂ થઈ જતું હોય છે. એરપોર્ટ પર ઉતરેલા ચાર પેસેન્જર્સ સાથેની મોંઘા દારૂ સાથેની મોંઘેરી ફોરચ્યુનર કાર ટ્રાફિક બ્રાન્ચની ટીમે અટકાવીને પોલીસ મથકે તો લઈ ગઈ પરંતુ ત્યાંથી જેને જે જોઈતું હતું તે મળી જતાં કાર અને અંદર રહેલા ચાર પ્રવાસીઓને આબાદ જવા દીધા હોવાની વાત પોલીસના જ જાણકારોમાં વહેતી થઈ છે.
કુવાડવા હાઇ-વે પર ચોકડી નજીક થોડા વખત પહેલાં સફેદ કલરની એક ફોરચ્યુનર કાર ટ્રાફિક શાખાના સ્ટાફે ચેકિંગના નામે અટકાવી હતી. કાર ચેક કરતાં અંદર બેગ પર ફ્લાઈટ જર્નીના લેબલ હતા. ગોવાની ફ્લાઈટમાંથી ઉતરી રાજકોટ ઘરે જતા હતા.
પોલીસે બેગ ખોલાવતા શોખીન ધનાઢ્ય ચાર યુવાનોની બેગમાંથી મોંઘો-મોંઘો દારૂ બોટલો હતી. ત્યારબાદ પોલીસે પોલીસની ભાષામાં વાત કરી ગોઠવણ ન થતાં કારને નજીકના કુવાડવા રોડ પોલીસ મથક તરફ લઈ જવાઈ હતી.
અંતે કારમાં રહેલા યુવકો દ્વારા વચલો માર્ગ કાઢવા તૈયારી દર્શાવાઈ. મોંઘેરી બોટલો આપી દેવી પડી અને માથે જતાં નિવૈદ્ય પણ ચડાવાતા કાર અને ચારેય મુસાફરને `મેરી ભૂ ચૂપ, તેરી ભી ચૂપ’ માફક બાઈજ્જત જવા દેવાયા હોવાની વાત છે. ફ્લાઈટમાં જર્ની દરમિયાન ફ્રી ડ્યુટીના નામે સાથે બોટલો લઈ આવનારા આવા ઘણા ચેકિંગ કે શિકારની શોધમાં રહેતા ચોક્કસ પોલીસ બાબુઓના રડારમાં આવીને લાખેણા કમાતા હોવાની ભારે ચર્ચા છે.
