- કનક રોડ પરની સત્યવિજય પટેલ હિન્દુ ધર્મશાળામાં ઓફિસના બાંધકામ મામલે બિલ્ડિંગના માલિક,એટીપીઓ અને સીવીલ એન્જી. ધમકી આપતા હોવાનો આક્ષેપ
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં કનક રોડ પર આવેલ શ્રી સત્ય વિજય પટેલ હિન્દુ ધર્મશાળામાં આવેલ ઓફિસના બાંધકામ મામલે ટ્રસ્ટી,એટીપીઓ અને સીવીલ એન્જીનીયર સહિતના પાંચ લોકોએ વેપારીને હેરાન કરી ધમકી આપતા તેને એ ડિવિઝન પોલીસ મથકે ફીનાઇલ ગટગટાવી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.અને આ મામલે પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં મંગળા રોડ પર ગુરૂવંદના એપાર્ટમેન્ટમાં રહેતા વિરાજ અશ્ર્વિનભાઇ જાનીએ એ ડીવીઝન પોલીસ મથકમાં આપેલ અરજીમાં રવી ભુર્દરભાઇ નીદરોડા, આકાશ દિનેશ નીદરોડા, નંદલાલ ભવાન પટેલ, આરએમસીના આસી. ટાઉન પ્લાનર અતુલ રાવલ અને આસી. સીવીલ એન્જી. મૌલિક ટાંકના નામ આપી જણાવ્યું હતું કે, તેઓને કનક રોડ પર શ્રી સત્ય વિજય પટેલ હિન્દુ ધર્મશાળા નામની બિલ્ડીંગમાં પ્રથમ માળે ઓફિસ આવેલ છે.તેઓ અહી ૭૦ વર્ષ જુના ભાડુઆત છે. આ જગ્યા જર્જરીત થઇ ગઇ હોઇ તે રિપેર કરાવતાં જગ્યાના માલિક સહિતનાએ હેરાનગતી શરૂ કરતાં અને મહાનગર પાલિકાના અધિકારીઓ તરફથી પણ જગ્યા પાડી નાખવાની નોટીસો અપાતાં તેમજ પોલીસને અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કંટાળીને તેમણે રાત્રિના એ ડિવિઝન પોલીસ ખાતે ફિનાઇલ ગટગટાવ્યું હતું.હાલ પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી છે.