રાજકોટ : 4 નકલી પોલીસે વિદ્યાર્થીને રેપકેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા
રાજકોટમાં થોડા સમય પહેલાં જ એક નકલી પોલીસ દ્વારા અલગ-અલગ હોટેલમાં જઈને પોતે ક્રાઈમ બ્રાન્ચમાંથી આવે છે તેવો રોફ જમાવી `તોડ’ કરી લીધાનો કિસ્સો તાજો જ છે ત્યાં વધુ ચાર નકલી પોલીસે વિદ્યાર્થીને રેપકેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
આ અંગે નાનામવા મેઈન રોડ પર દેવનગર 4/66ના ખૂણે રહેતા અને બીબીએનો અભ્યાસ પૂર્ણ કરનાર અભય અશ્વિનભાઈ મુછડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે 19 એપ્રિલે રાત્રે 11 વાગ્યા આસપાસ તેના બે મીત્રો નયન ભીખાભાઈ મકવાણા અને ક્રિષ રતિલાલ વાઘેલા સાથે નાસ્તો કરી ક્રિષના સ્કૂટર ઉપર ચુનારાવાડથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભૂતખાના ચોક પાસેના એચ.પી.પેટ્રોલ પંપ સામેના રોડ પર બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા અને `તમે ત્રણ સવારીમાં કેમ છો’ કહીને સ્કૂટરની ચાવી કાઢી લીધી હતી.
આ પછી અભયે `અમારો વાંક શું છે’ તેમ કહેતા બન્નેએ `અમારા સાહેબ આવે છે પછી તમને કહીએ કે તમારો વાંક શું છે’ કહેતાં જ અન્ય બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને અત્યારે ચડ્ડો પહેરીને કેમ ફરે છે, ચાલો તમને પોલીસ ચોકીએ લઈ જવાના છે કહીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પૈસા આપવાનો ત્રણેયે ઈનકાર કરતાં નકલી પોલીસે કહ્યું હતું કે જો પૈસા નહીં આપો તો તમને ત્રણેયને રેપ કેસમાં પોપટપરાની જેલમાં ત્રણ મહિના માટે પૂરાવી દેશું એટલે પૈસા તો આપવા જ પડશે.
ત્યારબાદ નકલી પોલીસે વિદ્યાર્થીના ખીસ્સા ચેક કરતાં નયન મકવાણાના ખીસ્સામાંથી સાત હજાર રોકડા કાઢી લીધા હતા અને ત્યારબાદ મોબાઈલમાં ફોન-પે ચેક કર્યા પછી 10 હજાર રૂપિયામાંગ્યા હતા જેથી અભયે તેના મિત્ર પૃથ્વીરાજસિંહ ચૌહાણને ફોન કરીને 10 હજાર રૂપિયા મંગાવ્યા હતા. આ પછી નકલી પોલીસે એટીએમ શોધ્યું હતું પરંતુ ન મળતાં એક આરોપીએ તેના મોબાઈલમાં રોહિતમકવાણા નામની વ્યક્તિનું સ્કેનર મંગાવી તેમાં દસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પૈસા લઈને ત્રણેય ગાયબ થઈ ગયા હતા.