રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વરસાદની ખેંચ : વર્ષ 2025માં રાજ્યમાં કયા કેટલો વરસાદ,જાણો ઝોન વાઇઝ તમામ વિગત
ઓણસાલ સમયસર વરસાદના આગમન બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદની ખાધ રહેવા પામી હતી જો કે, સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસવાની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ પણ સાર્વત્રિક રીતે સરેરાશ ચારથી પાંચ ઈંચ વરસાદ વરસાદ વરસી જતા સૌરાષ્ટ્ર્માં પાણીની ચિંતાજનક સ્થિતિ થોડી સુધરી છે. જો કે, સૌરાષ્ટ્રના દસ પૈકી ચાર જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લામાં વરસાદની ખોટ રહી જતા ઉનાળામાં પાણીની કટોકટી સર્જવાની શક્યતા જોવાઈ રહી છે. જો કે, હજુ પણ નવરાત્રી દરમિયાન વરસાદનો છેલ્લો રાઉન્ડ આવે તેવી શક્યતા હોય ખેડૂતો હજુ પણ એક વરસાદની આશામાં છે.

રાજ્યમા આ વર્ષે વરસાદની પેટર્ન બદલાઈ હોય તેવી સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદની ખાધ રહી જવા પામી છે. જો કે, ઓણસાલ મેઘરાજાએ જગતનો તાત ખુશ રહે તેવો માંગ્યો મેહ વરસાવ્યો છે. 16 જૂનથી ચોમાસાના પ્રારંભ બાદ જુલાઈ માસમાં પણ મેઘરાજાએ વાવણી બાદ જરૂરતના સમયે જ વરસાદ વરસાવ્યો હતો.

બીજી તરફ શ્રાવણ માસમાં વરસાદની ઘટ રહેવા પામી હતી જો કે, ખેડૂતોના પાકને જરૂરત સમયે મેઘરાજાએ હળવા ભારે ઝાપટા વરસાવતા આ વર્ષે પાક પાણીની સ્થિતિ ખુબ જ સારી છે. સાથે જ ખેતીના પાકને નુકશાન થાય તેવો વરસાદ ન વરસ્યો હોવાથી ખરીફ પાક માટે ઉજળું ચિત્ર છે. જો કે, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં પણ ઓણસાલ વરસાદની ઘટ જોવા મળી છે.

માત્ર મોરબી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો હોય જો હજુ એક સારો વરસાદી રાઉન્ડ નહીં આવે તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે ઉનાળામાં પાણીની સ્થિતિ વિકટ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

