બનાસકાંઠામાં વરસાદે વિનાશ વેર્યો : ભારે પવન સાથે વરસાદ પડતા અનેક ઘરના પતરા ઉડ્યા
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટ અને ગરમી પડી રહી છે. ત્યારે ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અનેક જગ્યાએ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો સરહદી વિસ્તારમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ પડયો હતો જેમાં ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા હતા તો અનેક રસ્તાઓમાં ઝાડ પડતા રસ્તાઓ બંધ થયા છે અને અનેક લોકોને મોટું નુકસાન થયું છે…

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં સુઈગામ પંથકમાં ગઈકાલ સાંજે વરસાદની શરૂઆત થઈ હતી. સમી સાંજે ભારે પવન ફૂંકાતા અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા તો અનેક રસ્તાઓમાં ઝાડ પડતા કેટલાક રસ્તાઓ બંધ થયા હતા જેના કારણે લોકો અટવાયા છે. મહત્વની વાત છે કે લોકોના ઘરોના પતરા ઉડતા ઘરમાં રહેલી ઘરવખરી સહિત અનાજ પલળી જતા લોકોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે..
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધારે ગરમી પડી હતી અને ગરમીમાં લોકો ટોબા પકારી ઉંચા હતા ત્યારે ગરમીના ભારે ઉકળતા બાદ સરહદી પંથકમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ લોકોને મસ્ત મોટું નુકસાન થયું છે જોકે ચોમાસાના પહેલા વરસાદમાં જ ખૂબ મોટું નુકસાન થતા લોકો ચિંતામાં મુકાયા છે.
ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ આજે ડાંગના આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગલકુંડ વિસ્તારમાં તો આભ ફાટ્યું છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડાંગ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે. ડાંગમાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું. નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. ઉલ્લેખનીય છે ડાંગ ઉપરાંત નવસારીમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.