ગુજરાતમાં કોંગ્રેસના બબ્બર શેરને જગાડવા આવ્યો છું તેમ કહ્યા પછી રાહુલ ગાંધીએ રોકડુ પરખાવ્યુ
અહીના અડધો અડધ કોંગ્રેસીઓ ફૂટેલા છે
- અહી બે જૂથ છે..એક પક્ષ માટે વફાદાર છે તો બીજુ જૂથ ભાજપ માટે કામ કરે છે
- કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરનારને કાઢી મુકવા છે
- અમદાવાદમાં શહેર-જિલ્લા-તાલુકા પ્રમુખો અને નેતાઓને બરાબર સંભાળવ્યુ
ગુજરાતમાં કોંગ્રેસ પાસે ૪૦ ટકા વોટ શેર છે અને જો કોંગ્રેસ સાચા અર્થમાં લોકોની વચ્ચે જાય, તેમનામાં વિશ્વાસ જગાડે અને તેમને ભરોસો અપાવે તો સ્થિતિ બદલાઈ શકે છે. ગુજરાતમાં માત્ર ૫ ટકા વોટ શેર વધારવાની જરૂર છે તેમ જણાવી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં અડધો અડધ નેતાઓ અને કાર્યકરો ફૂટેલા છે..કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરે છે. આવા લોકોને પક્ષમાંથી કાઢી મુકવા પડશે.બે દિવસના અમદાવાદના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું ગુજરાતના યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે આવ્યો છું. મેં મારી જાતને પૂછ્યું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી શું છે? છેલ્લા 30 વર્ષથી આપણે અહીં સરકારમાં નથી… જ્યાં સુધી આપણે આપણી જવાબદારી નિભાવીશું નહીં ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણીમાં વિજયી નહીં બનાવે… જે દિવસે આપણે આપણી જવાબદારી નિભાવીશું તે દિવસે ગુજરાતની તમામ જનતા કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રસ પક્ષને રસ્તો દેખાડી નથી રહી. ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે- એક લોકો સાથે ઉભા છે, જેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. બીજા એવા છે જેઓ લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે તે બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે.
રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
મેં ખુદને પૂછ્યું મારી અને કોંગ્રેસની શું જવાબદારી છે. આશરે 30 વર્ષથી કેમ અહીંયા પક્ષની સરકાર નથી બની. હું જ્યારે આવું છું ત્યારે 2012, 2017, 2022, 2027 ચૂંટણી પર વાત થાય છે. પરંતુ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે. જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું ગુજરાતની લોકો કોંગ્રેસને સમર્થન આપશે.
આ કાર્યક્રમમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, હિમતસિંહ પરમાર સહિતના નેતાઓ અને તાલુકા-જિલ્લાના પ્રમુખો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંગઠનમાં આવી શકે છે મોટાપાયે બદલાવ
રાહુલ ગાંધીએ જે રીતે આકરો મિજાજ બતાવ્યો છે તેના પરથી એવી અટકળો થઇ રહી છે કે પક્ષના પ્રદેશના સંગઠનમાં મોટાપાયે ફેરફાર આવી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંગઠનમાં એવા નેતા હોવા જોઈએ કે જેના દિલમાં કોંગ્રેસ હોય અને જો તેના હાથ ઉપર છરકો મારવામાં આવે અને જે લોહી નીકળે તે લોહી કોંગ્રેસનું હોવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું અહી સંગઠનને મજબુત કરવા માગું છું…આ માટે મારે ગુજરાતને સમજવું છે..લોકોને મળવું છે..તમારે મને ગુજરાતના જે ભાગમાં લઇ જવો હોય ત્યાં લઇ જાવ પરંતુ મારે ગુજરાતના લોકોમાં કોંગ્રેસ માટે ભરોસો ઉભો કરવો છે.
રાહુલ ગાંધી કોની સાથે ભળેલા છે ?: ભાજપ
રાહુલ ગાંધીએ જે રીતે પક્ષના કાર્યકરોને સંબોધન કર્યું તેના ઉપર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રત્યાઘાત આપ્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ આ રીતે જાહેરમાં કાર્યકરો ઉપર ભાજપમાં ભળેલા હોવાનો આરોપ મુકીને તેમનું અપમાન કર્યું છે પણ રાહુલ ગાંધીએ પોતે કોની કોની સાથે ભળેલા છે તે જાહેર કરવું જોઈએ. રાહુલ જેને પણ મળે છે તે કોને કોને મળેલા છે તે પણ જાહેર કરવું જોઈએ.