બે તબક્કાના મતદાનમાં રાહુલ બાબાના સુપડા સાફ: અમિત શાહ
જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવીયાના સમર્થનમાં યોજાઇ વિજય સંકલ્પ સભા: કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર: મોદી સરકારમાં ગરીબ અને ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું છે: મનસુખ માંડવીયા
જામકંડોરણામાં રાજ્યના ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાના સમર્થનમાં વિજય સંકલ્પ સભા યોજાઇ હતી. જેમાં અમિત શાહે કહ્યું હતું કે, બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તેમ રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે. એમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ૭૦ વર્ષ સુધી દત્તક બાળકની જેમ કલમ ૩૭૦ને ખોળામાં બેસાડીને રમાડી હતી.
જામકંડોરણામાં યોજાયેલી વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. એમણે સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, સોનિયા-મનમોહનની સરકારમાં આલિયા, માલિયા, જમાલિયા સરહદેથી ઘૂસી જતાં હતા. બોમ્બ ધડાકા થતાં હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પાકિસ્તાને ઉરી અને પુલવામાં હુમલો કરવાની ભૂલ કરી હતી. એ ભૂલનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. એર સ્ટ્રાઈક, સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.
કલમ ૩૭૦નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ૭૦ વર્ષ સુધી દત્તક બાળકની જેમ રમાડી રાખી હતી. વોટબેંકની રાજનીતિ કરી હતી. જ્યારે હું લોકસભામાં કલમ ૩૭૦ હટાવવા ઉભો થયો ત્યારે રાહુલ ગાંધીએ મને કહ્યું હતું કે, કલમ ૩૭૦ હટાવશો તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પરંતુ જ્યારે અમે કલમ ૩૭૦ હટાવી ત્યારે કોઈએ પથ્થર પણ ફેંકવાની હિંમત કરી ન હતી. અયોધ્યા રામ મંદિરને લઈને પણ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ૭૦ વર્ષ સુધી કોંગ્રેસે રામ મંદિર મુદ્દાને વોટબેંકની રાજનીતિ માટે અટકાવવાનું કામ કર્યું હતું. ભાજપની સરકારે ૫ વર્ષમાં અયોધ્યા મંદિરનો કેસ પણ જીત્યો અને ભવ્ય મંદિર પણ બંધાવ્યું છે. કાશિ વિશ્વનાથ, મહાકાલ કોરિડોર બનાવ્યો અને સોમનાથ મહાદેવ મંદિર હવે સોનાનું બની રહ્યું છે.
સૌરાષ્ટ્ર વિશે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકો તો સાનમાં સમજનારા લોકો છો. અમિત શાહે ૮૦ના દાયકાને યાદ કરીને કહ્યું હતું કે, એ સમયે સૌરાષ્ટ્રમાં લોકો પાણી માટેતળવળટા હતા. કોંગ્રેસના શાસનમાં જળસંકટ હતું. ટેન્કરથી પાણી આવતું હતું. જ્યારે આજે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છના ખાવડા સુધી પહોંચ્યું છે. એક સમય હતો કે, પોરબંદરની જેલ કોંગ્રેસે બંધ કરવી હતી. અપહરણ, ગુંડાગર્દી ચાલતી હતી. આજે ભાજપની સરકારે સૌરાષ્ટ્ર-ગુજરાતને સુરક્ષિત કર્યું છે.
ભાજપના શાસન અંગે કહ્યું હતું કે, કોંગ્રેસે ૭૦ વર્ષ સુધી કરેલા ખાડા ભાજપની સરકારે પ્રથમ ૧૦ વર્ષમાં બુરવાનું કામ કર્યું છે. આગામી વર્ષોમાં વિકસિત ગુજરાતનાં મોડેલ પરથી વિકસિત ભારત બનવાનું છે. આગામી ૫ વર્ષમાં વિકસિત ભારત બનાવવાનું છે. આ પહેલા એમણે સ્વ. વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, વિઠ્ઠલભાઈએ સહકારી ક્ષેત્રના મૂળિયાં પાતાળ સુધી પહોંચાડ્યા છે. પાર્ટીની શિસ્તભંગ કરીને પણ ખેડૂતોના આવાજ બન્યા છે.
આ સભામાં સંબોધન કરતા પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાએ સંબોધન કરતાં કહ્યું હતું કે, મોદી સરકારમાં ગરીબ અને ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ-અમીર વચ્ચેનો ભેદ મિતવ્યો છે. આજે ગરીબોને ૧૦ સુધીની સારવાર મફત મળી રહી છે.
પોરબંદર વિધાનસભાણી પેટા ચુંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, જ્યારે 1947માં ભારતને આઝાદી મળી ત્યારે ગાંધીએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયો છે પરંતુ હજુ સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક આઝાદી મળી નથી. આ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક આઝાદી આપવાનું કામ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે. એમણે કહ્યું હતું કે, મોદી જ્યારે ચૂંટણી લડ્યા ત્યારથી એક પણ ચૂંટણી હાર્યા નથી. આ વખતે ભાજપ સરકાર 400 પારથી વિજય મેળવશે. કારણ કે તેમનું વિઝન વૈશ્વિક છે. એમણે એમ પણ કહ્યું હતું કે, હું ઇડી, સીબીઆઇના ડરથી ભાજપમાં નથી આવ્યો.
આ તકે ભરત બોઘરાએ કહ્યું હતું કે, પોરબંદરને શિક્ષિત અને ટેકનોફ્રેંક ઉમેદવાર મળ્યા છે. આ વખતે ચૂંટણીમાં એકબાજુ વંશવાદ, પરિવારવાદ વળી કોંગ્રેસ અને ગઠબંધન છે જ્યારે બીજી બાજુ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર છે. યુપીએની સરકારમાં રોજ એક નવું કૌભાંડ આવતું હતું. જ્યારે મોદી પરિવર્તન લાવ્યા, પારદર્શક વહીવટ દેશને આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઘડીના છટ્ઠા ભાગમાં કલમ 370 હટાવી દીધી છે.
આ વિજય સંકલ્પ સભામાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ રમેશ ધડુક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પોરબંદર લોકસભા સીટના પ્રભારી પ્રદીપ ખીમાણી, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા સહિતના સહકારી સંસ્થાના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.