સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના ટેકનીશયનનું ન્યારીડેમમાં ડૂબી જવાથી મોત
પગ લપસી જતા ઘટના બની હોવાનું પરિવારનું પ્રાથમિક તારણ
રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ૪ દિવસ અગાઉ જ અમદાવાદથી ડેપ્યુટેશન પર આવેલ રેડિયોલોજી વિભાગના ટેકનીશયનનો મૃતદેહ ડૂબેલી હાલતમાં ન્યારી ડેમમાંથી મળી આવ્યો હતો. ૨૬ વર્ષીય યુવક ફરવા આવ્યો હોય તે દરમિયાન કોઈ કારણસર પગ લપસી જતાં આ ઘટના બનવા પામી હોય તેવું પરિવારનું પ્રાથમિક તારણ છે.
મળતી માહિતી મુજબ, શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કામ કરતો ૨૬ વર્ષીય અરુણકુમાર સેલ્વરાજ નામના યુવકનો મૃતદેહ રવિવારે સમી સાંજના ૭.૩૦ વાગ્યા આસપાસ ન્યારી ડેમમાંથી મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ તેમજ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. મૃતદેહ બાહર કાઢતાં જ યુવકના ખિસ્સામાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનું આઈકાર્ડ મળી આવ્યું હતું જેના આધારે તેની ઓળખ થઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતક યુવકના પરિવારને ઘટના અંગે જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ જાણવા મળ્યું હતું કે, મૃતક મૂળ તમિલનાડુનો વતની અને રેડિયોલોજી ટેકનિશયન હતો. ૪ દિવસ પહેલા જ અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલથી અહીં ડેપ્યુટેશન પર આવ્યો હતો. રવિવારે હોસ્પિટલમાં રજા હોવાથી તે ન્યારી ડેમમાં ફરવા આવ્યો હોય ત્યારે આ ઘટના બનવા પામી હતી. પુત્રના મોત અંગે જાણ થતાં જ તમિલનાડુ રહેતા પરિવારના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા અને મૃતદેહને એરએમ્બ્યુલન્સ મારફત વતન લઈ જવાયો હતો. આ ઘટના હકીકતમાં અકસ્માત જ છે કે આપઘાત તે અંગે પણ પોલીસે આગળની તપાસ યથાવત રાખી છે.