માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી સર્જાઇ
લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા : કંપનીએ કહ્યું અમે સુધારો કરી રહ્યા છીએ
માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી ખામી સર્જાઈ હોવાના અહેવાલો મંગળવારે સામે આવ્યા હતા. આ કારણે લાખો યુઝર્સ પરેશાન થયાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી. આ પહેલા 19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ માઈક્રોસોફ્ટ વિન્ડોઝની સર્વિસ ઠપ થઈ ગયાના કલાકો પછી દુનિયાભરમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે. જોકે મંગળવારે ફરી તેની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ખામી સર્જાતા માઈક્રોસોફ્ટની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
માઈક્રોસોફ્ટે કર્યું ટ્વિટ
લાખો યુઝર્સને પડી રહી સમસ્યાને લઈને માઈક્રોસોફ્ટ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, ‘અત્યારે Microsoft 365 વિવિધ સેવાઓમાં જે સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.’
19 જુલાઈના રોજ માઈક્રોસોફ્ટમાં ટેકનીકલ ખામી સર્જાતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી મોટા ભાગની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખામીના કારણે વિશ્વભરની આઈટી સિસ્ટમ અને કોમ્પ્યુટરો બંધ થઇ ગયા હતા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને ભારત સહિત 40થી વધુ દેશો પરેશાન થયા હતા.