વડાપ્રધાન આવતી કાલથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે : અહી રાજપૂત સમાજે જાહેર કર્યો પરિપત્ર
હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે ત્યારે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યમાં મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તમામ પક્ષના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાતમાં બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ 6 સ્થળ પર સભાને સંબોધન કરશે. આ 6 સભાઓમાં કુલ 14 લોકસભા બેઠકોને આવરી લેવામાં આવશે.
1 મે અને બુધવારના રોજ વડાપ્રધાન ગુજરાતનો સ્થાપના દિવસ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે જાહેર સભાઓને સંબોધશે. ડીસામાં જાહેરસભાનું લક્ષ્ય બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક હશે. 2 મેના રોજ મોદી આણંદ, સુરેન્દ્રનગર, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જાહેર સભાઓને સંબોધશે.
આ જાહેરસભાઓમાં મોદી આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને જામનગર લોકસભા મતવિસ્તારો માટે પ્રચાર કરશે.
વડાપ્રધાનની મુલાકાત પહેલા રાજપૂત સમાજનો પત્ર
રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગરના કાર્યક્રમને હિતશત્રુઓ બદનામ કરે એવાં એંધાણ વર્તાતાં જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ એક પત્ર જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે આપણે શાંતિ જાળવવાની છે.
મોરબી જિલ્લા રાજપૂત સમાજે પણ સમાજને અપીલ કરતો એક પત્ર જાહેર કર્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવવામાં આવતા આંદોલનમાં અનિષ્ટ તત્ત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય એવી ભીતિ હોવાનું જણાવીને મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને મહામંત્રીએ સમાજને શિસ્તબદ્ધ રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે.
વડાપ્રધાનની જામનગર મુલાકાત પહેલા હર્ષ સંઘવી જામનગર
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી 29 એપ્રિલે મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા. ક્ષત્રિયોના સતત વધતા વિરોધ વચ્ચે ફાયર બ્રિગેડ બની ગૃહ પ્રધાન જામનગર આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે પરિવારના સભ્યોને મળવા આવ્યો, તમામને મળ્યો, ભાજપા તરફે ખૂબ સારું વાતાવરણ છે. તેમજ હર્ષ સંઘવીએ વડાપ્રધાન 2 તારીખના રોજ જ્યાં સભા સંબોધવાના છે તે સભા સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રીએએ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય સહિતનાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી આ બેઠક સાંસદ પૂનમ માડમના નિવાસ્થાને યોજવામાં આવી હતી.