વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ,સોમનાથમાં ભવ્ય સ્વાગત,અદભુત ડ્રોન શો નિહાળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે આજે સાંજે તેમનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ગીર સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. 8 થી તા. 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આપણા પ્રધાનમંત્રી મોદી સહભાગી થશે જે નિમિત્તે તા. 10 ના રોજ હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇન્ચાર્જ ડી.જી.પી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડો. ઓમપ્રકાશ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ જવા રવાના થયા હતાં.લીકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ પહોંચ્યા છે. સોમનાથમાં મુખ્યમંત્રી દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. આવતીકાલે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

આ પછી તા. 11મીને રવિવારે તેઓ સવારે મહાદેવની પૂજા કરશે અને ત્યારબાદ શૌર્ય યાત્રામાં ભાગ લેશે. આ પછી જાહેરસભા સંબોધી તેઓ બપોરે 1-20 વાગ્યે મારવાડી યુનિવર્સિટીની બાજુમાં હેલિપેડ ઉપર પહોંચશે અને પછી ત્યાંથી વાઈબ્રન્ટ સમિટમાં આવી ટ્રેડ શો, એક્ઝીબીશન અને રિજિયોનલ કોન્ફરન્સને ખુલ્લી મુકશે.

આ પછી તેઓ બપોરે 4 વાગ્યે હીરાસર એરપોર્ટ થઈને અમદાવાદ જશે અને ત્યાં સોમવારે ગાંધીઆશ્રમની મુલાકાત, પતંગોત્સવ, મેટ્રો રેલના ફેઝનું ઉદઘાટન અને જર્મન ચાન્સેલર સાથે મુલાકાત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.



