દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી : પારડીમાં સવા ચાર ઈંચ
ચોમાસાની વિદાયની ઘડીએ પણ મેઘરાજાએ 16 તાલુકામાં વરસાદ વરસાવ્યો
રાજકોટ : રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી 16 તાલુકામાં વરસાદ વરસાવ્યો હતો જેમાં સૌથી વધુ વલસાડ તાલુકાનાં પારડીમાં સવા ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે ત્યારે બીજી તરફ ભાદરવો આકરો મિજાજ દર્શાવી રહ્યો છે તેવામાં સોમવારે રાજ્યના 16 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વલસાડના પારડીમાં 106 મીમી, વાપીમાં 45 મીમી, સુરતના પલસાણામાં 20 મીમી,નવસારીના વાંસદામાં 12 મીમી,સુરતના મહુવામાં 11 મીમી અને વલસાડના ધરમપુરમાં 10 મીમી સહીત કુલ 16 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે રાજ્યમાં આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.