રાજકોટમાં જ્યાં ચાર-ચાર લોકોએ જીવ ગુમાવ્યો એ જ સ્થળે દબાણ યથાવત : વધુ એક અકસ્માતની જોવાતી રાહ ?
રાજકોટમાં ગઈકાલે બુધવારે ઇન્દિરા સર્કલે જ સિટી બસે ચાર-ચાર માનવ જિંદગીને કચડી નાખી હજુ ૨૪ કલાક થયા છે છે ત્યાં ફરી એ જ સર્કલની સાઈડના રસ્તા પર ઓટો રિક્ષાઓના ખડકલા થઈ ગયા છે. ઈન્દિરા સર્કલ પર ટ્રાફિક પોલીસ, વોર્ડનો તહેનાત હોય છે તેઓને કદાચ રિક્ષાચાલકોની કોઈને કોઈ શેહશરમ નડતી હશે અથવા તો એ તરફ આંખોની નજર પહોંચતી કે કરાતી નહીં હોય પરંતુ કરોડોના ખર્ચે નખાયેલા આઈવે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાઓની પણ તિસરી આંખ બંધ છે ? ઈન્દિરા સર્કલ જેવી કે એથી બદતર સ્થિતિ કૈકેવી ચોકની છે ત્યાં પણ માર્ગની સાઈડમાં રિક્ષાઓના થપ્પા લાગેલા હોય છે જેના કારણે અન્ય વાહનોને પસાર થવું મુશ્કેલ પડે છે. આવા દબાણો અકસ્માત નોતરનારા જેવા બને કે વધુ આવી કોઈ દૂર્ઘટના સર્જાય તે પહેલાં પોલીસ શરમ છોડશે ખરી ?

ગઈકાલે બુધવારે જ્યાં બસના રાક્ષસી પૈડાં ચાર જિંદગી પર ફરી વળ્યા તે જગ્યાએ આજની (ગુરૂવારની) સ્થિતિ શું ? પોલીસ વધુ સતર્ક બની ? આડેધડ વાહનો ખડકાયેલા છે કે કેમ ? તેનો ચિત્તાર મેળવાતા તસવીરો જગવાહી પૂરે છે કે ગઈકાલની દૂર્ઘટના રાત ગઈ બાત ગઈ અથવા તો કોઈ અસર જ ન હોય તેમ બસ ભટકાઈને યુનિવર્સિટી રોડ તરફ સરકી એ સાઈડ જ માર્ગ પર રિક્ષાઓ ખડકાયેલી અને માર્ગ પર પાંચ-સાત ફૂટ દબાણ કરીને ઉભેલી હતી. એક ઓટો રિક્ષાના ચાલકને તો પોલીસનો ડર જ ન હોય, ઐસી-તૈસી અથવા તો ગોઠવણ હોય તેમજ કોટેચા ચોક તરફથી રોંગ સાઈડમાં ઈન્દિરા સર્કલ પાસે જ રિક્ષા ઉભી રાખીને મુસાફર સાથે મસલત કરતાં કેમેરામાં કેદ થઈ. આવી રીતે સાઈડો દબાવીને ઉભી રહેતી રિક્ષાઓ ટ્રાફિક સિગ્નલો બંધ હોય ત્યારે લેફ્ટ સાઈડમાં જનારા વાહનો માટે પણ ભયરૂપ બની રહે છે.

કાલાવાડ રોડ પરના કેકેવી સર્કલ પર તો ટ્રાફિક બ્રાન્ચની નાની એવી ચોકી પણ છે ત્યાં ટ્રાફિક પોલીસ વોર્ડનનો સ્ટાફ પણ વધુ હોય છે. આમ છતાં આ સર્કલે પણ ચારેય રસ્તાની સાઈડોમાં રિક્ષાઓના હારબંધ ખડકતા પોલીસની છાતી સામે જ થાય છે. પેસેન્જરોને લેવા આવી રિક્ષાઓ આડેધડ પણ ઉભી રહેતા અચકાતી નથી.

જો કોઈ વાહનચાલક રિક્ષાઓને ટપારે તો અન્ય રિક્ષાચાલકો પણ એકસંપ કરીને એ વાહન ધારક સાથે ઝઘડા પર ઉતરી આવે છે. ઉચ્ચ અધિકારીઓ જ આવા આડેધડ વાહનો, રિક્ષાઓના દબાણો દૂર કરાવે એક્શનમાં આવે તો માર્ગો મોકળા બની શકે અને અકસ્માતની દૂર્ઘટનાઓ ઘટી શકે, જો કે આ બધું કરવા-કરાવવા અધિકારીઓએ એ.સી. ચેમ્બરો છોડીને ફિલ્ડમાં ઉતરવું પડે અથવા ઉણાં ઉતરતા સ્ટાફ સામે એક્શન લેવા પડે તો જ સ્થિતિ સુધરે તેવો જનમત છે.
