રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમનાથની મુલાકાતે : સાસણમાં કરશે સિંહદર્શન, ગીરમાં વસવાટ કરતા આદિવાસીઓને મળશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે સાંજથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે, ગુરુવારે સાંજે હિરાસર એરપોર્ટ ખાતે આગમન બાદ રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેસરીદેવસિહજી ઝાલા સહિતના સાત મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી રાષ્ટ્રપતિ સીધા જ સરકીટ હાઉસ ખાતે આવ્યા હતા જ્યાં રાત્રિરોકાણ બાદ સવારે એરપોર્ટથી તેઓ હેલીકૉપટર મારફતે સોમનાથ જવા રવાના થયા હતા. સોમનાથ પહોંચીને તેઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને ત્યારબાદ જંગલ સફારીનો આનંદ માણશે.
રાજકોટમાં રાત્રિ રોકાણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ જવા માટે રવાના થયા હતા. રાજકોટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ પહોંચી તેઓ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી સીધા જ સાસણ જવા રવાના થશે. રાષ્ટ્રપતિ સાસણમાં સિંહ નિહાળશે. દ્રૌપદી મુર્મુ સાસણની મુલાકાત લેનારાં ચોથા રાષ્ટ્રપતિ છે. સિંહદર્શન કર્યા બાદ તેઓ ગીરમાં વસવાટ કરતા આદિવાસીઓને પણ મળશે. સોમનાથ અને સાસણગીરમાં રાષ્ટ્રપતિને આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ ખડેપગે છે.
આ પણ વાંચો :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટમાં કર્યું રાત્રિ-રોકાણ : ભોજનમાં બાજરીના રોટલા-કઢી સહિતની કાઠિયાવાડી વાનગી પીરસાઇ
સાસણ ગીરની મુલાકાત લેનારાં દ્રૌપદી મુર્મુ ચોથાં રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ હાલ ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ આજે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે અને ત્યારબાદ એશિયાઈ સિંહનો એકમાત્ર ઘર ગણાતા સાસણની મુલાકાત લેશે. સાસણ ગીરની મુલાકાત લેનારાં દ્રૌપદી મુર્મુ ભારતનાં ચોથાં રાષ્ટ્રપતિ છે. આ પહેલાં 1950માં પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, 2009માં પ્રતિભા પાટીલ, 2018માં રામનાથ કોવિંદે મુલાકાત લીધી હતી. દ્રૌપદી મુર્મુ ચોથાં રાષ્ટ્રપતિ છે, જેઓ સાસણની મુલાકાતે આવી રહ્યાં છે.
રાષ્ટ્રપતિનો 2 દિવસનો કાર્યક્રમ
- 10 સપ્ટેમ્બર, 2025નો કાર્યક્રમ સવારે સોમનાથ મંદિરમાં દર્શન કરી આરતીમાં ભાગ લેશે.
- બપોરે સાસણમાં સિંહ દર્શન કરશે.
- સાંજે ગીરમાં વસતા આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરશે.
- સાસણમાં જ રાત્રિ રોકાણ કરશે.
- 11 સપ્ટેમ્બર, 2025નો કાર્યક્રમ સવારે દ્રારકાધીશ મંદિરમાં દર્શન કરશે
- સાંજે અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે
- કાર્યક્રમ પૂર્ણ દિલ્હી જવા રવાના થશે
રાષ્ટ્રપતિનું રાજકોટમાં રાત્રિરોકાણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે સાંજે એરફોર્સના ખાસ વિમાન મારફતે રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. હિરાસર એરપોર્ટ ખાતે આગમન બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજકોટના સરકીટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ કાઠિયાવાડી ભોજનનો આનંદ માણી રાત્રી રોકાણ કર્યું હતું અને સવારે 10 વાગ્યા બાદ હિરાસર એરપોર્ટ ખાતેથી હેલીકૉપટર મારફતે સોમનાથ જવા રવાના થયા હતા.

રાજકોટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ જવા રવાના
રાજકોટથી હેલિકોપ્ટર મારફતે યાત્રાધામ સોમનાથ પહોંચી તેઓ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી સીધા જ સાસણ જવા રવાના થશે. સાસણમાં રાષ્ટ્રપતિ સિહદર્શન કરી અહીં જ રાત્રી રોકાણ કરી બાદમાં બીજા દિવસે દ્વારકા જશે અને દ્વારકાથી જામનગર ખાતે પહોંચી જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. રાષ્ટ્રપતિના રાજકોટ ખાતેના રાત્રી રોકાણને લઈને કલેકટર તંત્ર દ્વારા બ્લ્યુ બુક મુજબ પ્રોટોકોલ ગોઠવવામાં આવ્યો હતો અને સુરક્ષા અને વ્યવસ્થા માટે 50 જેટલા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુને ભોજનમાં બાજરીના રોટલા તેમજ કઢી સહિતની વાનગી પીરસાઇ
રાજકોટમાં રાષ્ટ્રપતિના રાત્રી રોકાણને પગલે તેઓને રાત્રી ભોજનમાં કાઠિયાવાડી ભોજન પીરસાયુ હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નજર હેઠળ બનેલ વિવિધ વાનગીઓમાં બાજરાના રોટલા, કાઠિયાવાડી કઢી, ગ્રીન સલાડ, બુંદીનું રાયતું, દુધી ચણાનું શાક, તુરીયા પાત્રાનું શાક, ઊંધિયું, ઢોકળી, -પુલાવ રાઈસ, ફુલકા રોટલી, જવારની રોટી, ભાખરી તેમજ મીઠાઈમાં ખીર અને રસમલાઈ પીરસવામાં આવી હતી તેમજ સવારે નાસ્તામાં ગાજર અને -બીટનું જ્યુસ, દૂધ સાથે કોર્ન ફ્લેક્સ, ગ્રીન ટી, કાઠિયાવાડી ચા, બ્લેક કોફી, લસ્સી, ફ્રેશ ક્રૂટ, ઈડલી ઢોંસા, ઉતપમ, કોકોનટ ચટણી, સાંભાર, ફાફડા ગાંઠીયા, પાત્રા, ખાંડવી, ખમણ, થેપલા, સેન્ડવિચ, ડ્રાય ફ્રુટ કેક સહિતની વાનગી -પીરસવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
