બુધવારથી ત્રણ દિવસના પેપરલેસ સત્રનો થશે પ્રારંભ
સત્રના પ્રથમ દિવસે ઝવેરી કમિશનનો રિપોર્ટ કરાશે રજૂ
ભાજપના ધારાસભ્યોને વ્હીપ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બુધવારે ગુજરાતની ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરીને સત્રનો પ્રારંભ કરાવશે. 13થી 15 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ત્રિ-દિવસીય સત્ર મળશે. રાજ્ય સરકાર માટે ત્રિ-દિવસીય સત્ર અતિ મહત્વપૂર્ણ છે કારણ કે સત્રના પ્રથમ દિવસે જ OBC (ઝવેરી) કમિશનનો રિપોર્ટ રજૂ કરાશે, સાથે જ પહેલાં દિવસે વિધાનસભાને પેપરલેસ બનાવવામાં આવશે.
ભાજપના ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના
આ સત્ર દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરાયો છે. એટલે કે સત્ર દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ સત્ર પહેલા આજે કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સત્રમાં ક્યા મુદ્દે સરકારને ઘરેવી તેને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે.
પેપરલેસ વિધાનસભાનું કરાશે ઉદ્ઘાટન
ગુજરાત વિધાનસભા સચિવ ડી.એમ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભાને ડિજિટલ બનાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરશે
ગુજરાત વિધાનસભા સચિવએ વધુમાં જણાવ્યું હતું કે, 13 સપ્ટેમ્બરને બુધવારના રોજ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કરશે અને ગુજરાત વિધાનસભાને સંબોધન પણ કરશે.
ટેબલ પર ખાસ ટેબલેટ મુકાશે
પેપરલેસ વિધાનસભાના ઉદ્ધાટન બાદ દરેક MLA અને ગૃહમાં બેસતા સચિવોના ટેબલ પર ખાસ ટેબલેટ મુકાશે. નવા બિલ અને મેજ પર મુકવાના કાગળ ઓનલાઇન ટેબલેટ પર જ મળી રહેશે. પેપરલેસ મોડેલ થકી ગુજરાતના તમામ ધારાસભ્યો સરકારને પૂછવા માગતા હશે તો તેને એપ્લિકેશન મારફતે જ મોકલી દેવાના રહેશે અને કોઇ પત્રવ્યવહાર કરવાની માથાકૂટ રહેશે નહીં. આ સિવાય ધારાસભ્યો પ્રશ્નો પણ એપ્લિકેશન મારફતે જ ફાઇલ કરી શકશે.