- ફજત ફાળકા સહિતની વિવિધ રાઇડ્સ માટે સરકારના નિયમો મુજબ માંચડા ઉભા થવા લાગ્યા
રાજકોટ : આગામી તા.24ને શનિવારથી રાજકોટના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થનાર છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રેષકોર્ષ મેદાનમાં વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યા છે સાથે જ મેળામાં વિવિધ રાઇડ્સ માટે સરકારની કડક એસઓપી અમલી બનાવવામાં આવતા રાઇડ્સ સંચાલકો દ્વારા પણ રાઈડ્સ ફિટિંગ સહિતની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના રેષકોર્ષ મેદાન ખાતે આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર ધરોહર ભાતીગળ લોકમેળા માટે રેષકોર્ષ મેદાનમાં દિવસ-રાત તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ વર્ષે સ્ટોલની સંખ્યા ઘટાડી દઈ આવાગમન માટે વિશાળ રસ્તાઓ સાથેની બ્લ્યુ પ્રિન્ટ તૈયારી કરી ડિમાર્કેશન કરી નાખતા સરકારની એસઓપી મુજબ રાઇડ્સ સંચાલકોને રાઇડ્સ ફિટિંગ કરવા માટે પ્લોટ સોંપી આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ લોકમેળામાં ફજત ફલક, ચકરડી અને વિવિધ રાઇડ્સ માટે ફાઉન્ડેશન, એનડીટી રિપોર્ટ, સોઇલ ટેસ્ટિંગ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક આદેશો થઇ આવ્યા હોય રાઇડ્સ સંચાલકો દ્વારા હાલમાં રેષકોર્ષ મેદાન ખાતે રાઇડ્સ ફિટિંગ માટે હાઈડ્રો, ક્રેઈન સહિતના સાધનો સાથે રાઇડ્સ ફિટ કરવા કામગીરી શરૂ કરવાંમાં આવી છે.