રાજકોટમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં વાહનચાલકોના ખિસ્સા થયા ખાલી,સરકારી કર્મી પણ ઝપટે ચડયા : 3 કલાકમાં જ 12.21 લાખનો દંડ ફટકાર્યો
જેનો લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે તે ફરજિયાત હેલ્મેટનો નિયમ આજથી રાજકોટમાં અમલી બન્યું છે ત્યારે સવારથી જ ઠેર-ઠેર મગજમારીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ આ નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે તૈયારી કરી લેવામાં આવી હોય તેમ અલગ-અલગ 48 પોઈન્ટ માટે 48 ટીમને જવાબદારી સોંપી દેવામાં આવતા સવારથી જ ચેકિંગ શરૂ કરી દંડની ‘ઉઘરાણી’ શરૂ કરી દેવામાં આવી છે! તહેવારો ટાણે જ ફરજિયાત હેલ્મેટનો ‘કકળાટ’ ઘૂસી જતા સામાન્યજનમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો રોષ પણ જોવા મળી રહ્યો છે. નવા નિયમોની અમલવારી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ રહી છે અને અનેક બાઈકચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આપણે જો દંડની વાત કરીએ તો સવારે ૯ વાગ્યાથી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજકોટમાં અનેક વાહનચાલકોના ખિસ્સા ખાલી થયા હતા.

વરસાદની આગાહી વચ્હે આજે સવારથી મેઘરાજા વરસી રહ્યા હતા ત્યારે શહેરમાં સવારથી જ વરસતાં વરસાદની વચ્ચે 500થી વધુ પોલીસ જવાનો 48 થી વધુ પોઈન્ટ પર ગોઠવાઈ જઈ હેલ્મેટ ડ્રાઈવ યોજી હતી. જેમાં અનેક હેલ્મેટ વગર નિકળેલા વાહન ચાલકોને પકડી રૂ.12.21 લાખનો મસમોટો દંડ ત્રણ કલાકમાં જ વસૂલ કર્યો હતો.જેમાં અનેક જગ્યાએ રકજકના બનાવો પણ બન્યા હતા.

વહેલી સવારમાં પોતાના કામ ધંધે કે નોકરી પર જતાં લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળતા પોલીસની ઝપટે ચડી ગયાં હતાં અને સવાર સવારમાં જ 500 નો દંડ ભરવો પડ્યો હતો. બીજી વખત હેલ્મેટ પહેર્યા વગર નહીં નીકળું સહિતના કોઈ પણ બહાના પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવ્યા નથી અને હેલ્મેટ નહીં પહેર્યું હોય એટલે 500 રૂપિયા દંડ ભરપાઈ કરવો જ પડશે.

આ પણ વાંચો : મેરેજ બ્યુરોનો સંપર્ક સાધીને યુવક ફસાયો : રાજકોટના બે શખસોએ યુવકને પરિણીત યુવતી સાથે પરણાવી 1.95 લાખ ખંખેર્યા
હેલ્મેટ પહેરવું જ પડશે : વી.જી.પટેલ( ટ્રાફિક ACP)
આ અંગે ઈન્ચાર્જ ACP (ટ્રાફિક) વી.જી.પટેલે ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી શહેર પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત પહેરવું જ પડશે તે અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે એટલા માટે આજથી સામાન્યજન હોય કે સરકારી કર્મચારી-અધિકારી હોય જેમાં પોલીસ પણ આવી જાય છે તે સહિતે હેલ્મેટ પહેરવું જ પડશે. આજથી નિયમ અમલી બની રહ્યો હોવાથી પહેલીવાર હેલ્મેટ ન પહેર્યું હોય તેને જવા દેવા તેવી કોઈ જ શક્યતા રહેતી નથી. વળી, હું હેલ્મેટ ભૂલી ગયો અથવા ભૂલી જઈ, હવે ચોક્કસ ખરીદી લઈશ, બીજી વખત હેલ્મેટ પહેર્યા વગર નહીં નીકળું સહિતના કોઈ પણ બ્હાના ચાલશે નહીં અને હેલ્મેટ નહીં પહેર્યું હોય એટલે 500 રૂપિયા દંડ ભરપાઈ કરવો જ પડશે.
