રાજકોટના ભંગડા ગામે 3 દિવસ સુધી PM પોષણ યોજનાનું રસોડું બંધ : બાળકોને ભૂખ્યા રાખનાર મભોયો સંચાલક-રસોયા ઘરભેગા
અપૂરતા વેતનને કારણે રાજકોટ સહિત રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં અનિયમિતતા જોવા મળી રહી છે ત્યારે રાજકોટ તાલુકાના ભંગડા ગામની શાળામા સતત ત્રણ દિવસ સુધી ગેરહાજર રહી શાળાના બાળકોને નાસ્તો અને ભોજન નહીં પીરસનાર મધ્યાહન ભોજન યોજનાના મહિલા સંચાલક અને મહિલા રસોયાને મામલતદાર દ્વારા તાત્કાલિક અસરથી છુટા કરવા આદેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પીએમ પોષણ યોજના તરીકે ઓળખાતી મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન અને નાસ્તો પીરસવામાં અનિયમિતતા અંગે અનેક ફરિયાદો વચ્ચે રાજકોટ તાલુકાના સરધાર નજીક આવેલ ભંગડા ગામની પ્રાથમિક શાળામાં સતત ત્રણ દિવસ સુધી બાળકોને ભોજન અને નાસ્તો પીરસવામાં ન આવતો હોવાથી શાળાના આચાર્ય દ્વારા બાળકોને નાસ્તો કરવામાં આવ્યો હતો. સરકારી યોજનાની અમલવારીમાં અનિયમિતતા અંગે રાજકોટ તાલુકા મામલતદારને ફરિયાદ મળતા તેઓ તાત્કાલિક ભંગડા ગામે દોડી ગયા હતા.
આ પણ વાંચો :ના હોય…ભારત-પાકિસ્તાન મેચની 50% ટિકિટ નથી વેચાઈ : અડધું સ્ટેડિયમ રહેશે ખાલી
વધુમાં રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણા દ્વારા ભંગડા ગામે શાળાની મુલાકાત લેવા સમયે પણ પીએમ પોષણ યોજના કેન્દ્રના સંચાલિકા અંકિતાબેન પારકર અને રસોયા સુનીતાબેન સેલડિયા હાજર ન હોવાથી ગ્રામજનો અને આચાર્યના નિવેદન લઈ તાત્કાલિક અસરથી કેન્દ્રના સંચાલિકા અને રસોયાને છુટા કરવા આદેશ કરી બપોરા કેન્દ્રનો ચાર્જ ખારચીયા ગામના પીએમ પોષણ કેન્દ્રને સોંપી દીધો હતો. નોંધનીય છે કે, મામલતદાર દ્વારા ભંગડા ગામ ઉપરાંત રાજગઢ, ગૌરીદળ અને જાળીયા પીએમ પોષણ કેન્દ્રની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે,અન્ય કેન્દ્રમાં કોઈ ગેરરીતિ જોવા મળી ન હતી.
